યુતિથી શિવસેનાને રાજકીય ફાયદો, નીતિગત નુકસાન

લોકસભાની ચૂંટણીને જ્યારે દોઢ વર્ષ કરતા વધુ સમયની વાર હતી એ સમયે અચાનક જ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું હતું કે શિવસેના હવે પછીની બધી ચૂંટણીઓ એકલા હાથે લડશે. ત્યાર બાદ શિવસેનાએ સતત વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપ સાથે સત્તા ભોગવતી હોવા છતાં તેમ જ મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભાજપના ટેકે ઊભી હોવા છતાં શિવસેના કે ઉદ્ધવ ઠાકરે યા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.
છેલ્લાં એક વર્ષથી શિવસેનાની ભૂમિકા સવાયા વિરોધ પક્ષની હતી. આ પાછળ શિવસેનાની ગણતરી દબાણના રાજકારણની હતી. ભાજપ પર દબાણ આણીને સેના પોતાનું કામ કરાવી લેવા માગતી હતી. જોકે ભાજપે છેલ્લાં એક વર્ષ દરમિયાન શિવસેનાને જરાપણ મચક આપી ન હતી. પરંતુ કેન્દ્રમાં ફરીથી સત્તા પર આવવા માટે ભાજપને તેના ઘટક પક્ષોની જરૂર પડશે તેવું ભાજપ મોવડીમંડળ સમજી ચૂક્યું છે.
છેલ્લે ત્રણ રાજ્યનાં પરિણામ બાદ ભાજપ એકદમ સાવધ થઈ ચૂક્યો છે. એક એક બેઠકની ગણતરી કરવાની તેમણે શરૂઆત કરી દીધી છે અને આને માટે ભલે શિવસેના સાથે બેસવું પડે તોય વાંધો નહીં, તેવો નિર્ણય લીધા બાદ શિવસેનાની કેટલીક શરતો માની અને યુતિ માટે બેઠક આદરી દીધી હતી.
આ બેઠકનું પરિણામ એ આવ્યું કે બરાબર એક વર્ષ બાદ શિવસેનાએ રાબેતા મુજબ ફેરવી તોળ્યું છે. હવે બંને પક્ષ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. આ યુતિ કરીને ભાજપે પોતાના ડહાપણનો પરચો આપી દીધો છે. ભાજપ જાણતું હતું કે જો શિવસેના સાથે યુતિ ન થાય તો કેટલીક બેઠકો પર નુકસાન થઈ શકે છે.
કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ યુતિ જાહેર કરી ચૂક્યા હોઈ હિન્દુ મતોનું વિભાજન ન થાય એ પણ તકેદારી રાખવી પડે તેમ હતી. આથી ભાજપે ખૂબ જ વિચારીને પગલું ભર્યું છે. બીજી બાજુ આ યુતિ શિવસેના માટે રાજકીય રીતે ફાયદો કરાવનારી પરંતુ નીતિની દૃષ્ટિએ નુકસાનરૂપ સાબિત થઈ શકે છે. સેના જે રીતે ભાજપ પર હુમલો કરી રહી હતી એ જોતાં ગ્રાસરૂટના શિવસૈનિકોમાં ભાજપ સામે લડવાનું જોમ હતું, પરંતુ ઉચ્ચ નેતાઓ જાણતા હતા કે ભાજપ સામે બાથ ભીડવાથી તેમના પાંચ સાંસદ પણ જીતી શકે તેમ નથી. એકલા હાથે શિવસેના મહારાષ્ટ્રમાં પણ કંઈ કરી શકે તેમ નથી એટલે પક્ષના અસ્તિત્વ માટે યુતિ કરવી જરૂરી છે. આથી ગાલ લાલ રાખીને પણ સેના ભાજપ સાથે યુતિ કરવા તૈયાર થઈ ગયું. અને જો એમ ન કર્યું હોત તો લોકસભાની ચૂંટણી પહેલાં જ શિવસેનાના બે ભાગ થઈ ગયા હોત. ભાજપ ધારત તો આ પરિસ્થિતિનો લાભ લઈ શકત, પરંતુ લોકસભાની ચૂંટણીમાં એક એક બેઠક મહત્ત્વની છે. શિવસેના નબળી થાય એમાં ભાજપ ભલે મજબૂત થાય પરંતુ એનો ફાયદો કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગે્રસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને પણ થઈ શકે છે એ વાતથી ભાજપ વાકેફ છે અને એટલે જ અમિત શાહે પોતાનો ઈગો બાજુએ મૂકી યુતિ માટે વાત કરી હતી.
સૌથી મોટી વાત એ છે કે યુતિની જાહેરાત કરતી વખતે ભાજપ કે શિવસેનાના એક પણ નેતાએ પત્રકારોના સવાલના જવાબ આપ્યા ન હતા. બંનેમાંથી કોઈ પણ પક્ષ લોકોના સવાલના જવાબ આપી શકે તેમ નથી. ખાસ કરીને શિવસેના પાસે હવે બોલવા માટે કંઈ જ નથી. દરરોજ ભાજપ સામે આગ ઓકી અને હવે ભાજપ સાથે બેસી જવાથી સો ટકા સેનાની છબી ખરડાઈ ગઈ છે, પણ સમગ્ર ઘટનાક્રમમાં ભાજપે સંયમ દાખવીને ડહાપણ વાપર્યું છે અને તેને આનો ફાયદો જરૂરથી થશે એમાં બેમત નથી.