બે પોલીસ કર્મી ઉપર હુમલો, ફોન-દારૂની લૂંટ

 ચિતલ નજીક દારૂ સાથે ઝડપાયેલા બે શખ્સોને છોડાવવા સાત શખ્સો તૂટી પડ્યા
અમરેલી તા.14
અમરેલી જિલ્લામાં પોલીસ વડા દ્વારા અસામાજીક તત્વો ઉપર કાયદાકીય ધોંસ બોલાવતા અસામાજીક તત્વો જિલ્લામાં અકળાઈ ઉઠયા હોય તેમ છાસવારે પોલીસ ઉપર હુમલો કરવા અથવા તો પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવાના બનાવો બની રહ્યા છે. ત્યારે મંગળવારે સાંજના સમયે લાઠી ગામે કરોડો રૂપિયાની નકલી ચલણી નોટના કૌભાંડમાં ઝડપાયેલા શખ્સના ઘરે તપાસમાં ગયેલી પોલીસ ઉપર 150થી વધુ શખ્સો ઘાતક હથિયારો સાથે પોલીસ ઉપર તૂટી પડી સોનાના ચેનની લુંટ ચલાવ્યાની ઘટનાને 24 કલાકનો પણ સમય પસાર થયો ન હતો. ત્યાં વધુ એક ઘટના અમરેલી નજીક ચિતલથી મોણપુર ગામે જવાના માર્ગે સાતેક જેટલા શખ્સોએ પોલીસનાં બે કર્મી ઉપર ઘાતક હથીયારોથી હુમલો કરી પોલીસે દરોડા દરમીયાન ઝડપી પાડેલ. મુદામાદ તથા બે આરોપી તથા પોલીસ કર્મીનો મોબાઈલ ફોન ઝુંટવી નાશી ગયા હતા અને આ ઘટનામાં ઘવાયેલા બંને પોલીસ કર્મીને સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવમાં પોલીસ સુત્રોમાથી મળતી વિગત મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વરજાંગભાઇ રામભાઇ મુળાસીયા તથા સલીમભાઇ ભટ્ટીને ગઇકાલે સાંજના સમયે બાતમી મળેલ કે ચિતલ નજીક અવોલ મોણપુર ગામે રહેતા રાહુલ હસુભાઇ સોંદરવા તથા અરવિંદ ધીરુભાઇ પરમાર નામના બે શખ્સો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કરતા હોય જેથી દરોડો પાડી વિદેશી દારૂનો મુદામલા ઝડપી પાડ્યો હોય ત્યારે તેજ ગામે રહેતા ધીરુભાઇ દુદાભઇા પરમાર, સંજય ધીરુભાઇ પરમાર તથા એક અજાણ્યો માણસ, શારદાબેન ધીરુભાઇ પરમાર તથા કાજલબેન અરવિંદભાઇ પરમાર વિગેરેએ ગેરકાયદેસર મંડળી બનાવી પ્રાણઘાતક હથીયારો ધારણ
કરી, ધાડ પાડવાના સામાન્ય ઈરાદો બર લાવવા અને પોલીસ કર્મીઓ હોવાનું આરોપી જાણતા હોવા છતા વરજાગભાઇ તથા સલીમભાઇ નામના બને પોલીસ કર્મીઓ ઉપર કુહાડી જેવા હથીયારોથી જીવલેણ ઈજાઓ તથા પથ્થર વડે પણ શરીરે ઈજાઓ કરી પોલીસ કર્મીઓએ કરેલ દરોડા દરમીયાન ઝડપાયેલ વિદેશી દારૂ તથા બે આરોપીઓને છોડાવી અને પોલીસ કર્મીનો રૂા.18 હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝુંટવી લઇ જઇ ફરજમા રૂકાવટ કરી હતી.
આ બનાવમા ઘવાયેલા બંને પોલીસ કર્મીને સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતા. આ બનાવ અંગેની તપાસ તાલુકા એ.એસઆઈ એન.એ. વાઘેલા ચલાવી રહ્યો છે. લાઠીમાં થયેલા પોલીસ ઉપરના હુમલા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસ ઉપર થયેલ બીજા હુમલાનો ઘટનાથી અમરેલી જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.