9 કોંગી ધારાસભ્યો બળવાની ફિરાકમાં

ચાવડા-ધાનાણીની કાર્યપ્રણાલીથી નારાજ ધારાસભ્યોએ નોખો ચોકો માંડ્યો: રાહુલને મળવા સમય માંગ્યો, નવા-જૂનીનાં એંધાણ
રાજકોટ તા.14
ગુજરાત કોંગ્રેસની કઠણાઈ કોઇ કાળે ખતમ થતી દેખાતી નથી! પક્ષમાંથી ધારાસભ્યોનું પલાયન હવે કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા છે. ડો.આશાબેન પટેલનાં રાજીનામાની કળ વળી નથી ત્યાં વધુ 9 ધારાસભ્યોએ નોખો ચોકો માંડતા ફરી એકવાર ધાનાણી-ચાવડા મુશ્કેલીમાં મૂકાયા છે. ચર્ચા તો એવી પણ છે કે નવેય ધારાસભ્યો બળવાનાં મુડમાં છે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. નારાજગીનું કારણ ‘ચાવડા-ધાનાણી’ની કાર્ય પ્રણાલી છે! મતલબ ટુંક સમયમાં જ ફરી નવાજૂનીના એંધાણ મળી રહ્યા છે.
ગુજરાતમાં પડી ભાંગેલી કોંગ્રેસને બેઠી કરવા માટે વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત કોંગ્રેસની દોર યુવા નેતૃત્વને સોંપવામાં આવી હતી અને આ યુવા નેતૃત્વ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે અમિત ચાવડાની અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી હતી. પરતું કોને ખબર હતી કે, અમિત ચાવડા અને પરેશ ધાનાણીના નેતૃત્વના કારણે ગુજરાતમાં કોંગ્રેસ મરણ પથારીએ પહોંચી જશે. આ કહેવાનું કારણ એક જ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્ય કોગ્રેસનો સાથ છોડીને પક્ષ પલટો કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં કોઈ પણ પદ માટે કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસે પાંચ જિલ્લા પંચાયતની સીટ ગુમાવી, 19 જેટલી તાલુકા પંચાયતોના સભ્યોના નારાજગીના કારણે ઠેક-ઠેકાણે ગાબડા પડ્યા છે. આ ઉપરાત કોંગ્રેસે લોકપ્રિય 2 ધારાસભ્યો પણ ગુમાવ્યા છે. ઊંઝાના ધારાસભ્ય ડોકટર આશા પટેલના રાજીનામા પછી એવી એક માહિતી મળી રહી છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે બાંયો ચડાવી શકે છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના કારણે કોંગ્રેસના
ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ જ કારણે કોળી સમાજના લોકપ્રિય નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. જ્યારથી કોંગ્રેસની દોર યુવા નેતૃત્વમાં આવી છે ત્યારથી કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે અને આ જૂથવાદના જ કારણે કોંગ્રેસે વર્ષોથી સાચવી રાખેલો જસદણનો ગઢ ગુમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં વધતા જતા વિખવાદ વચ્ચે એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે, આશા પટેલના રાજીનામા પછી કોંગ્રેસના 9 જેટલા
ધારાસભ્યોએ ગુપ્ત મીટિંગ બોલાવી છે અને તેઓ બળવાના માર્ગ તરફ જઈ રહ્યા છે. આ માટે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો છે.