બામણબોર-જીવાપર જમીન કૌભાંડ બેંકોને પણ ડૂબાડશે!

રાજકોટ તા.14
સૌરાષ્ટ્રના સૌથી મોટા 800 એકર રાજકોટના બામણબોર - જીવાપર ગામની એ.એલ.સી. જમીન ખાનગી ઠેરવી દેવાના કૌભાંડમાં એસીબી દ્વારા ત્રણ અધિકારીઓ સામે તેમજ સરકારી કચેરીઓમાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે ત્યારે ખાતેદાર બની ગયેલા આસામીઓએ સરકારી જમીન ઉપર કરોડો રૂપિયાની બેંક લોન લઈ લીધી હોવાની ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સરકારી પડતર વીડીની જમીનમાં રાજકોટ સહિતના આસામીઓ ખાતેદારો બની ગયા બાદ વીડીની જમીન ગેરકાયદેસર રીતે મોર્ગેજ કરી સરકારી બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ લીધી હોવાની વિગત સપાટી ઉપર આવી છે. વધુમાં મળતી વિગત મુજબ ખાનગી આસામીઓએ ચોટીલા તાલુકાની સરકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ જિલ્લા બેંક અને અલગ-અલગ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોગસ અને બનાવટી જામીનગીરી ઉભી કરી આશરે 80 કરોડ રૂપિયાની લોન લીધી છે.
800 એકર સરકારી જમીન ખાનગી ઠેરવી દેવામાં આવ્યા બાદ ખાનગી આસામીઓએ 550 એકર જમીનમાં લોન લીધી છે. ચોટીલા તાલુકાના મહીદડ ગામની 210 એકર તેમજ 300 એકરની અન્ય જમીન માર્ગે જ કરવામાં આવી છે. બેંકો દ્વારા આસામીઓને લોન પણ આપી દેવામાં આવી છે.
સામાન્ય રીતે સરકારી વીડીની કે બીડની જમીન વેચાણ કરવાની પરવાનગી જાગીર ઉપાર્જન ધારા કલમ - 6 હેઠળ જિલ્લા કલેકટર પાસેથી લેવાની હોય છે પરંતુ ઉચ્ચ અધિકારીઓએ આ જમીન મામલે કલેકટર પાસે કોઈ જ મંજુરી લીધી ન હતી અને 800 એકર એ.એલ.સી.ની જમીન ખાનગી ઠેરવી દેવામાં આવી હતી.
ખેત જમીન ટોચ મર્યાદા કાયદા 1960માં એકટ - 2/1974થી કરેલા સુધારા બાદ બામણબોર, જીવાપર ગામની કુલ 380.20 એકર જમીન મામલતદાર અને કૃષિપંચ ચોટીલાએ ગત તા.30/11/19-88ના હુકમથી ફાજલ જાહેર કરી હતી.
સુપ્રિમકોર્ટ આ બાબતે સરકારની તરફેણમાં નિર્ણય કર્યો હોવા છતા આદેશોનું ખોટું અર્થઘટન કરી સુપ્રિમકોર્ટમાં પીટીશન કરનાર પીટીશન અને અન્યોએ કરેલ રજૂઆતના આધારે મામલતદાર ચોટીલાએ ટોચ મર્યાદા કેસ નં.1/2/2015 પુન: ચલાવીને ચોટીલા તાલુકાના જીવાપરના સર્વે નંબર 47,84, બામણબોરના સર્વે નં.59 પૈકી, 98 પૈકી તેમજ 59 પૈકીની 324 એકરના અલગ-અલગ યુનિટના હકકદાર મુજબ ખાનગી આસામીઓને આપવાનો ગેરકાયદે હુકમ કરવામાં આવ્યો હતો.
આ હુકમની સરકારની પરવાનગી મળે તે પહેલા જ ખાનગી આસામીઓએ કેટલીક જમીનમાં પ્લોટીંગ પાડી બીનખેતી પણ કરી નાખવામાં આવી હતી અને સરકારી જમીન વેચી નાખવામાં આવી હતી. આ બનાવ અંગે સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેકટર સી.જે.પંડ્યા (હાલ પુરવઠા નિગમના મેનેજર), ચોટીલાના ડે.કલેકટર વી.ઝેડ. ચૌહાણ (હાલ પોરબંદર ડે.ડીડીઓ) અને ચોટીલાના ઈન્ચાર્જ મામલતદાર જે.એલ. ઘાડવીની સંડોવણી
ખુલતા આ ત્રણેય સહિત કુલ 13 આસામી સામે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે ફરિયાદમાં જણાવ્યું છે કે જમીન ટોચ મર્યાદાની ન્યાયીક કાર્યવાહી દરમિયાન રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરપયોગ કરી બીનપીયતની જમીનોને કરાવી ખોટા દસ્તાવેજી પુરા ઉભા કરી સરકારને રૂા.3.23 કરોડનું નાણાકીય નુકશાન કર્યું છે. આમ સરકારી તંત્રને નુકશાન કર્યું છે તો બેંકોમાંથી ખાનગી આસામીઓએ લીધેલી 80 કરોડની લોન લઈ બેંકોને ધૂમ્બો મારવાનો પ્લાન ઘડ્યો છે. જો તપાસ એજન્સી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો બેંક લોનનું પણ કૌભાંડ બહાર આવે તેમ છે. ગોંડલની બેંકમાંથી લોન લેવાઈ
ચોટીલા પંથકની કૌભાંડવાળી જમીન ઉપર ચોટીલાના બદલે ગોંડલની એક બેંકમાંથી પણ કરોડો રૂપિયાની લોન લેવામાં આવી છે અને આ લોનમાં પણ શંકાસ્પદ વ્યવહારો થયાનુ કહેવાય છે. બેંકના અધિકારીઓએ પણ આ બોગસ લોન આપવામાં મોટી રકમનો ‘કડદો’ કર્યાની ચર્ચા થઈ રહી છે ત્યારે જમીનના કેસ રિવિઝનમાં લેવા સાથે આ જમીનો ઉપર લેવામાં આવેલી લોન અંગે તપાસ થાય તો પણ ચોંકાવનારા ધડાકા થવાની શકયતા છે.