1 માર્ચથી દેશના અડધોઅડધ ATM થશે ડબ્બા

 એટીએમ ટ્રાન્ઝેકશન ચાર્જમાં વધારો કરવાની માગ નહીં સ્વીકારાય તો ફરી નોટબંધી જેવી સ્થિતિ
નવીદિલ્હી તા,14
1 માર્ચથી દેશભરમાં અડધો અડધ એટીએમ કામ કરતા બંધ થઇ જશે તેવો દાવો દેશભરમાં તમામ બેન્કો તથા વ્હાઇટ લેબલ એટીએમને સંચાલિત કરતી સંસ્થા કેટમીએ કર્યો છે. કેટમીએ આ સ્થિતીમાંથી બહાર આવવા માટે સરકાર અને ભારતીય રીઝર્વ બેન્કને એટીએમ દ્વારા ટ્રાન્જેક્શન પર લાગતા ચાર્જીસમાં વધારો કરવાની સલાહ આપી છે.
કોનફેડરેશન ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રી એટલે કે કેટમીના ડાયરેક્ટર હિમાંશુ પુજારાએ જણાવ્યું કે, અઝખ બંધ થવાથી હજારો લોકો નોકરીઓ ગુમાવશે. સાથે જ સરકારના નાણાકીય સમાવેશના ઇરાદાને પણ આંચકો લાગશે. એટીએમ સેવા આપતી કંપનીઓને માર્ચ 2019 સુધી આશરે 1.13 લાખ એટીએમ બંધ કરવા પડે તેવી શક્યતા છે. તેમાં 1 લાખ ઑફ સાઇટ એટીએમ અને 15 હજાર વ્હાઇટ લેબલ એટીએમ છે. કેટમીએ જણાવ્યું કે એટીએમ કંપનીઓ ધીમે ધીમે તેની સંખ્યા ઘટાડી રહી છે કારણકે તેને ચલાવામાં નુકસાન થઇ રહ્યું છે. હાલ નાના શહેરોમાં એટીએમ બંધ કરવામાં આવી રહ્યાં છે. તેવામાં એટીએમ બંધ થવાથી આ શહેરોમાં નોટબંધી જેવી
સ્થિતી પેદા થશે. સૌથી વધુ નુકસાન વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર્સને થઇ રહ્યું છે અને તે હવે વધુ નુકસાન સહન કરી શકે તેમ નથી. તેના માટે એટીએમ ઇન્ટરચેન્જ જ આવકનું સાધન છે. તે સ્થિર છે. કેટમીએ જણાવ્યું કે જો બેન્કો તેમના ખર્ચની ભરપાઇ નહી કરે તો મોટા પાયે કોન્ટ્રાક્ટ સરેન્ડર થશે આ કારણે એટીએમ બંધ થઇ જશે.