વેલેન્ટાઈન-ડે: પ્રભુ! શું આપ બનશો મારા વેલેન્ટાઈન?

14 મી ફેબ્રુઆરી એટલે વિશ્ર્વભરમાં પ્રેમના પ્રતીકરૂપે ઉજવાતો વેલેન્ટાઈન ડે. યુરોપિયન સંત વેલેન્ટાઈન ના નામ સાથે જોડાયેલ આ દિવસ, મૂળમાં તો સાચા પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે છે. ત્યાગ અને પ્રેમના મૂલ્યો દિન-પ્રતિદિન મૂલ્યહીન બની રહ્યા છે ત્યારે તેમની ભાવના ત્યાગ અને પ્રેમના મૂલ્યો જગતને સમજાવવાની હતી, પરંતુ આજે એ ભાવના ભૂલીને વર્તમાન વિશ્ર્વ મોજશોખના દિવસ તરીકે બંધનોમાંથી મુક્તિના સ્વરૂપે અને મર્યાદામાંથી સ્વતંત્ર ઉત્સવ તરીકે મનાવી રહ્યા છે. આર્ય સંસ્કૃતિની મર્યાદા પૂર્ણ જીવનશૈલી અને ક્યાં પશ્ર્ચિમની જીવનશૈલી કાર્ય ની સંસ્કૃતિ? સદાચાર માટેની તેમજ પવિત્ર પ્રેમ માટે ના બલિદાનની વાતો સાથે પશ્ર્ચિમની સંસ્કૃતિની સરખામણી થઈ શકે જ નહીં.
પશ્ર્ચિમના એક લેખકે કહ્યું છે કે કોઈપણ સમાજને ખતમ કરવા માટે તેની સંસ્કૃતિ અને ધર્મને ખતમ કરવો જરૂરી છે અને જો સંસ્કૃતિ નહીં રહે તો માણસ માણસ ન રહેતા રાક્ષસ બની જશે અને ધર્મ પ્રત્યેની આસ્થા પણ ઉઠી જશે. જો ભગવાનને જ ભૂલી જાય તો જ માણસ ભૌતિક સુખ માટેના પ્રયત્નો શરૂ કરે તથા શ્રદ્ધા અને સંસ્કૃતિનો વિનાશ થાય આજે ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પર કુઠરાઘાત પડી રહ્યા છે જીવનશૈલી માંથી શાંતિ અને ચેન ખોવાઈ ગયા છે આવા સમયે વેલેન્ટાઈન ડે ના એક એવો સંદેશ છે કે તારા પ્રેમનો પાત્ર માનવીને બનાવવાના બદલે ઈશ્ર્વરીય તત્ત્વને તારા પ્રેમનું પાત્ર બનાવ, ભૌતિક ચીજવસ્તુઓમાંથી સુખ મેળવવાની ઈચ્છાને આધીન ન બન પરંતુ જેના શરણે જવાથી શાશ્ર્વત સુખ આનંદ મળી શકે તેવા પ્રભુનાં ચરણ શરણ બનાવ. ભગવાનને પ્રેમનું પાત્ર બનાવવાથી દિવ્ય આનંદની અનુભૂતિ થશે ભગવાન જો આપણા વેલેન્ટાઈન બનશે તો જીવનમાંથી દુર્ગુણો દૂર થશે અને સદ્ગુણોનો આવિર્ભાવ થશે. ભગવાન કદાપિ દુ:ખી નહીં કરે ભગવાન હંમેશા આપણું ધ્યાન રાખશે એક કથા મુજબ એક ભિખારી અને અત્યંત દુ:ખી એવો ગરીબ વ્યક્તિ રાત્રે મંદિરના ઓટલા પાસે પડ્યો છે એક શ્રીમંત ને ઊંઘ ન આવતી હોવાથી ગાડી લઈને ફરવા નીકળ્યો છે મંદિર પાસે પસાર થતા તેણે આ વ્યક્તિને જોયો તરત જ ગાડી ઉભી રાખી હાથ જોડી રૂપિયા 500ની નોટ આપી અને કહ્યું કે બીજી કાઈ જરૂર પડે તો આ મારું એડ્રેસ છે જ્યાં તું આવી શકે છે. પેલા ગરીબ વ્યક્તિ એ કાર્ડ લેવાનો અસ્વીકાર કર્યો અને કહ્યું કે એડ્રેસ તો મારી પાસે છે પરંતુ તમારું નહીં જેણે મોડી રાત્રે પણ મારી જરૂરિયાત પૂરી કરવા તમને મોકલ્યા એ પરમપિતા પરમેશ્ર્વરનું.શ્રીમંત વ્યક્તિ નત મસ્તક બની ગઈ એક ગરીબ વ્યક્તિની શ્રદ્ધા પાસે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમ તથા વિશ્ર્વાસ ચોક્કસ ચમત્કાર સર્જી શકે તેથી ભગવાનને આજથી જ કહી દઈએ ભગવાન શું તમે મારા વેલેન્ટાઇન બનશો શું લાગે છે? ભગવાન હા પાડશે કે ના.
શ્રદ્ધા નો હોય જો વિષય તો પુરાવાની જરૂર નથી
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી
સાચી શ્રદ્ધાથી પ્રભુને કહીએ કે--
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે ને શુષ્ક શ્ર્વાસમાં ભળી ભિનાશ છો તમે,
માળાની ઝંખના નથી મારા મુજ શ્ર્વાસમાં લિપાયુ એ આકાશ છો તમે...
- જૈનાચાર્ય વિજય પ્રદીપચંદ્રસૂરીશ્ર્વરજી મ.સા. હે પ્રભુ ! મને હર જન્મમાં મળજો
હું મળું કે નહીં પણ તમે મને જરૂર મળજો હે પ્રભુ !
જો તમે ચાંદ છો તો હું છું ચકોર
જો તમે સૂર્ય છો તો હું છું ચક્રવાક
જો તમે પદ્મકમલ છો તો હું છું ભ્રમર
જો તમે ઘનઘોર મેઘ છો તો હું છું મયુર
જો તમે રસ છો તો હું છું રંગ
જો તમે કમલ છો તો હું છું પરિમલ
જો તમે પરિમલ છો તો હું છું ભ્રમર
જો તમે વૃક્ષ છો તો હું છું છાંયડો
જો તમે ડાળ છો તો હું છું પંખી
જો તમે માં છો તો હું છું બાળક
જો તમે ભગવાન છો તો હું છું ભક્ત ભગવાનને પ્રેમનું પાત્ર બનાવવાથી દિવ્ય આનંદની અનુભૂતિ થશે. ભગવાન જો આપણા વેલેન્ટાઈન બનશે તો જીવનમાંથી દુર્ગુણો દૂર થશે અને સદ્ગુણોનો આવિર્ભાવ થશે