ચિંતન


એક વખત એક માણસે ભગવાનને કહ્યું કે આપણે બંને એક ક્ષેત્રમાં એવા છીએ કે તું મારી બરોબરનો કે હું તારી બરોબરનો એ નક્કી કરવું મુશ્કેલ છે. ભગવાને પેલી વ્યક્તિને પૂછ્યું કે એવી કઈ વાત છે કે જેમાં આપણે બંને બરાબર હોઈએ? પેલી વ્યક્તિએ કહ્યું હું પણ ભૂલકણો અને તું પણ ભૂલકણો. અનંત અનંતા પરમાત્માને ભૂલકણો કહેવા માટે છપ્પનની છાતી જોઈએ. ભગવાને પૂછ્યું હું ભુલકણો કેવી રીતે તું સાબિત કરી શકીશ? પેલી વ્યક્તિએ કહ્યું કે મારા અનંત અનંત દોષોને જાણવા છતાં તમે મારા એક પણ દોષ યાદ નથી રાખ્યા. વાસના, ઈર્ષ્યા, દ્વેષ વગેરે અનેક અનેક દોષો હોવા છતાં એક પણ દોષ તમે યાદ નથી રાખ્યો. સંસારના લોકો મારા એક દોષના કારણે પણ મને નફરત કરે છે જ્યારે અનેક દોષો મારામાં હોવા છતાં અને આપ જાણતા હોવા છતાં મારે એક પણ દોષ તમે યાદ નથી રાખ્યો આમ તમે ભૂલકણા. અને હું ભૂલકણો એ રીતે કે મારા દોષો છતાં પણ તારા અનેક ઉપકાર છે તારી કરુણા અપરંપાર છે, તારી કૃપાદ્રષ્ટિ અનંત છે અને છતાં આ બધાને હું ભૂલી ગયો છું.
મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી.
આ આમ આ બધા દોષો સાથે તે મારો સ્વીકાર કર્યો છે મારા બધા પાપો સાથે તે મારો સ્વીકાર કર્યો છે તારા અનંત અનંત ઉપકાર ને મેં ક્યારેય યાદ નથી રાખ્યા. આમ હું પણ ભૂલકણો અને તું પણ ભુલકણો.
-પ.પૂ.આ.ભ.શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્ર્વરજી મ.સા.