પરિણીત પ્રેમીકાને મળવા આવેલા યુવાનનું પ્રેમિકાના ભાઇઓએ અપહરણ કરી લમધાર્યો

"...દુનિયા કી રસમોં કો તૂમ તોડ કે આ જાઓ ફિલ્મમાં ચાલે, વાસ્તવમાં નહીં રાજકોટ તા.13
શહેરમાં અવારનવાર અપહરણ કરી માર માર્યાના બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે સિવિલ હોસ્પીટલમાં પરીણીત પ્રેમીકાને મળવા આવેલા યુવાનનું પ્રેમીકાના ભાઇઓએ અપહરણ કરી કાળીપાટ નજીક લઇ જઇ ઢોરમાર મારી 80 ફુટ રોડ ઉપર ફેકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસ પાસેથી મળતી વિગત મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતો અને મજુરીકામ કરતો તૌફીક સલીમભાઇ ઓડીયા નામનો 23 વર્ષનો યુવાન સિવિલ હોસ્પીટલમાં હતો ત્યારે જયસુખ અને દિયા સહિતના શખ્સો સિવિલ હોસ્પીટલમાં ધસી આવ્યા હતા. તૌફીક ઓડીયા સાથે ઝઘડો કરી સ્કુટરમાં અપહરણ કરી કાળીપાટ ગામ નજીક લઇ જઇ ધોકા અને પટા વડે ઢોરમાર માર્યો હતો. બાદમાં 80 ફુટ રોડ ઉપર ફેકી દઇ આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા તૌફીક ઓડીયાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછતાછમાં ઇજાગ્રસ્ત તૌફીક ઓડીયા અને હુમલાખોર જયસુખની પરીણીત બહેન શારદાબેન બે વર્ષ પૂર્વે કારખાનામાં સાથે કામ કરતા હતા ત્યારે બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. શારદાબેન હાલ સિવિલ હોસ્પીટલમાં સફાઇ કામ કરે છે. શારદાબેને તૌફીકને ફોન કરીને સિવિલ હોસ્પીટલમાં મળવા બોલાવ્યો હતો. તૌફીક ઓડીયા સિવિલ હોસ્પીટલમાં પરીણીત પ્રેમીકાની વાટ જોતો હતો ત્યારે પ્રેમીકાના ભાઇઓએ આવી અપહરણ કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.