બિગ બજાર ફાયર સેફટી વિહોણું, મોટી દુર્ઘટનાની ભીતી

દિલ્હીની આગની દુર્ઘટના બાદ ફાયર વિભાગ હરકતમાં રાજકોટ તા,13
દિલ્હીની હોટલમાં ગઈકાલે બનેલ આગની દુર્ઘટનામાં 17 મહામુલી જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે હોટલો, મોલ તેમજ અન્ય સ્થળો ઉપર કે જ્યાં વધુ પબ્લીક એકઠુ થતુ હોય તેવા સ્થળોએ ફાયરસેફટીના સાધનો નહીં હોવાનું બહાર આવતા રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે હોટલ, હોસ્પિટલ, હોસ્ટેલ, કોલેજ, સ્કૂલ, મોલ સહિતના સ્થળોનું ચેકિંગ શરુ કરવામાં આવ્યુ છે. જેમાં દરરોજ હજારો લોકો એકઠા થાય છે તેવા બિગ બજારમાં હાયર સેફટીના સાધન નહી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયેલ છે.
દિલ્હીની દુર્ઘટના બાદ મનપાનું ફાયર વિભાગ સફાળુ જાગ્યુ છે ગઈકાલથી જ તમામ મોટા મોલ સહિતના સ્થળોની ચેકિંગ કાર્યવાહી શરુ કરતા પ્રથમ બિગ બજારમાં ફાયર સેફટીના સાધનો નહી હોવાનું જાણવા મળ્યુ છે તેવી જ રીતે રીલાયન્સ મોલમાં ફાયર સેફટીના સાધનો હૈયાત હતા પરંતુ ગેસના બાટલાઓ ખાલી હોવાનું ધ્યાનમાં આવતા નોટીસ આપવામાં આવી છે તેવી જ રીતે કાલાવડ રોડ ઉપર આવેલ ઈસ્કોન મોલમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે જાણવા નથી મળ્યુ પરંતુ ઈસ્કોન મોલના સંચાલકો દ્વારા ફાયર સેફટીની એનઓસી માટે અરજી કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે જ્યારે ઈસ્કોન મોલ દ્વારા 2007માં એનઓસી લેવામાં આવી હતી ત્યારબાદ 11 વર્ષમાં એનઓસી લેવાનું સુચ્યુ નથી તેથી આ સ્થળે પણ લોલમલોલ ચાલતુ હોવાનું જાણવા મળેલ છે.
ફાયર વિભાગના ચિફ ઓફિસર જે.બી.ઠેબાના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ માસથી શહેરની હોસ્પિટલો, હોટલો, હોસ્ટેલો, શાળા તથા કોલેજો તેમજ રેસ્ટોરન્ટ અને મોલ સહિતના સ્થળોએ ચેકિંગ કામગીરી ચાલુ જ છે પરંતુ આગજનીના બનાવ તેમજ અન્ય સ્થળોએ કામગીરી કરવાની હોય ચેકિંગની કામગીરી ધીમી ગતીએ ચાલી રહી છે. ગઈકાલની દિલ્હીની ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ ચેકિંગ કામગીરી કડક બનાવવામાં આવતા હાલમાં બિગ બજાર અને ઈસ્કોન મોલમાં ફાયર સેફટીના સાધનો માટે નોટિસ અપાઈ છે જ્યારે ગોંડલ રોડ અને કુવાડવા રોડ ઉપર આવેલ ડીમાર્ટમાં આજરોજ સવારથી ફાયરસેફટી અંતર્ગત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફાયર વિભાગના ચિફ ઓફીસર જે.બી.ઠેબાએ વધુમાં જણાવેલ કે દરેક ધંધાર્થીઓેએ ફાયર સેફટીના સાધનો રાખવા ફરજિયાત છે. બીપીએમસી એકટ મુજબ ફાયર સેફટીના સાધનો ન રાખનાર ધંધાર્થી દંડને પાત્ર બને છે ત્યારે દરેક ધંધાર્થીઓએ પોતાની જવાબદારી સમજી લોકોની સલામતી માટે પોતાના ધંધાના સ્થળે ફાયરસેફટીના સાધનો ફરજિયાત વસાવવા જોઈએ નહીં તો આગામી દિવસોમાં ફાયર વિભાગ દ્વારા આ પ્રકારના ધંધાર્થીઓ વિરુધ્ધ સઘન ઝુંબેશ ચલાવી દંડ સહિતની કાર્યવાહી હાથ ધરાશે.