મોડીરાત સુધી સંતાકુકડી બાદ સંવિધાન બચાવો સંમેલન માટે સ્થળ ફાળવાયું

સરકાર વિરોધી આંદોલનકારીઓના કાર્યક્રમ અને સ્થળની મંજૂરીમાં આયોજકોને પગે પાણી ઉતરી ગયા રાજકોટ તા.13
રાજકોટમાં આજે બપોરે માજી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આયોજીત સંવિધાન બચાવો, દેશ બચાવો સંમેલન અને રેલીના સ્થળ માટે સરકારી તંત્ર દ્વારા છેલ્લે સુધી સંતાકુકડી રમવામાં આવી હતી અને અંતે મોડીરાત્રે શાસ્ત્રી મેદાન ખાતે સંમેલન માટે મંજુરી આપવામાં આવી હતી. આ સંમેલનના પગલે શહેરના રાજકારણમાં ઉતેજના વ્યાપી ગઇ છે.
આ પૂર્વે સંવિધાન બચાવો સંમેલન માટે ચૌધરી હાઇસ્કુલનું મેદાન ફાળવાયું હતું પરંતુ મોડીરાત્રે ચૌધરી હાઇસ્કુલના સંચાલકોએ મેદાનમાં દરવાજાને તાળુ મારી દઇ આ મેદાન અગાઉથી જ વિદ્યાર્થીઓના કાર્યક્રમ માટે ફાળવી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આ દરમ્યાન સંમેલન સ્થળ માટે ફરી આયોજકો અને તંત્ર વચ્ચે ખેંચતાણ થઇ હતી અને અંતે મોડીરાત્રે શાસ્ત્રી મેદાન ખાતે સંમેલન યોજવાની મંજુરી આપવામાં આવી હતી.
સતાવાર મંજુરી બાદ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીનું બપોરે 3.30 વાગ્યે હોસ્પીટલ ચોક ખાતે ડો.આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા બાદ પ્રસ્થાન થશે, ત્યાંથી રેલી જ્યુબેલી ચોક પહોચશે જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી રેલી શાસ્ત્રી મેદાન ખાતે પહોચશે. જ્યારે ગાંધીજીની પ્રતિમાને હારતોરા કર્યા બાદ મુખ્ય આગેવાનો બહુમાળી ભવન ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતોરા કરવા જશે. ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં સંમેલન યોજાશે.
આ રેલીમાં ભાજપ સરકાર વિરોધી ઝુંબેશ ચલાવતા પાસના નેતા હાર્દિક પટેલ, જવાહરલાલ નહેરુ યુનિ.ના છાત્ર નેતા કનૈયા કુમાર, અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પ્રવિણરામ ઉપરાંત ગોપાલ ઇટાલીયા, સ્વામી ચક્રપાણી, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સહિતના ચળવળકારો જોડનાર હોવાથી સરકારી તંત્રની ચિંતા વધી ગઇ છે.
બીજી તરફ સરકાર વિરોધી આ ચળવળકારો પૈકી કનૈયાકુમાર સામે રાષ્ટ્રદ્રોહનો પણ ગુનો નોંધાયો હોય તેને રાજકોટમાં બોલાવવા સામે કેટલાક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હોવાથી કાર્યક્રમ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસતંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ છતા માથકુટ થવાના ભયના કારણે વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ આ રેલી અને સંમેલનના હોર્ડીંગમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ બેનર પણ સળગાવાયું હતું તેમજ કનૈયાકુમારના ફોટા ઉપર કાળો પીછડો મારી દેવામાં આવ્યો હતો.