ખટોદરાના વૃધ્ધની બક્ષીસ દસ્તાવેજ રદ કરવાની અરજી મંજૂર કરતા પ્રાંત જાની

રાજકોટ તા.13
રાજકોટના પૂર્વ અને સુરતના
પ્રાંત અધિકારી પી.આર.જાનીએ ભરણપોષણ નહી આપતા ખટોદરાના વૃધ્ધની બક્ષીસ દસ્તાવેજ રદ્દ કરવાની અરજી મંજુર કરી દસ્તાવેજ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધાવસ્થામાં સહારો બનશે તેવી આશાએ સુરતના એક વૃદ્ધએ દત્તક દોહિત્રને મિલ્કતનો દસ્તાવેજ કરી આપ્યો હતો પરંતુ દોહિત્રોએ પોતાની ફરજ ન બજાવતા દત્તક દોહિત્રને કરી આપેલો બક્ષીસ દસ્તાવેજ રદ કરવા વૃદ્ધ નાનાએ કરેલી અરજી સીટી પ્રાંત અધિકારીએ માન્ય રાખી બક્ષીસ દસ્તાવેજ રદ કરવાનો હુકમ કર્યો હતો. દત્તક પુત્ર દ્વારા સારસંભાળ ન રખાતી હોવાની વાતને કેન્દ્રમાં રાખી બક્ષીસ દસ્તાવેજ રદ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કેસની વિગતો એવી છે કે શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલ સોમાકાકાની વાડી, સવેરા કોમ્પ્લેકસ શેરી ખાતે રહેતા જયંતીભાઇ ડાહ્યાભાઇ ભગતે ગઇ તા.5-9-2018 ના રોજ મેઇન્ટેનન્સ ટ્રીબ્યુનલ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સીટી પ્રાંત પી.આર.જાનીની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં જણાવ્યું હતું કે તેમણે તેમના દોહિત્ર અજય જગદીશચંદ્ર ડંડાવાલા (રહે : માણીયાશેરીનો ખાંચો, મહીધરપુરા)ને સારસંભાળ રાખવા માટે દતક લીધો હતો. જેને જયંતીભાઇએ 166 ચોરસ મીટરની મિલ્કત બક્ષીસ દસ્તાવેજથી આપી દીધી હતી. આ બક્ષીસ દસ્તાવેજ કરી આપ્યા પછી અજય સારસંભાળ રાખતો ન હતો. પરીણામે જયંતીભાઇ તેમના પુત્ર સાથે રહેવા ચાલી ગયા હતા.
સારસંભાળ ન રાખનારા અજયને પોતે કરી આપેલો બક્ષીસ દસ્તાવેજ રદ કરવા કરેલી અરજીમાં બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા પછી ક્ધસીલેશન અધિકારીએ તા.23-10 ના રોજ પોતાનો અહેવાલ આપ્યો હતો. જેમાં સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાની અને મિલ્કત પરત મેળવવા સિવાય વિકલ્પ ન હોવાની નોંધ હતી. આ અહેવાલને કેન્દ્રમાં રાખી સીટી પ્રાંત અધિકારી પી.આર.જાનીએ ધી મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સીટીઝન એકટ 2007 ની કલમ 23 અન્વયે ગુજરાત
સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.21-3 ના પરીપત્રથી મળેલી સત્તાની રૂએ આ બક્ષીસ દસ્તાવેજ રદ કરવાનો હુકમ કર્યો હતો. પરીણામે હવે આ મિલ્કતનો દસ્તાવેજ પુન: જયંતીભાઇના નામે
થઇ જશે.
આ હુકમથી કોઇપણ પક્ષકાર નારાજ હોય તો હુકમની તારીખથી 60 દિવસની અંદર ધી મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સીટીઝન એકટની કલમ 16 હેઠળ પ્રમુખ અધિકારી-એપેલેટ ટ્રીબ્યુનલ અને નિવાસી અધિક કલેકટરની કોર્ટમાં રીવીઝન કરી શકે છે.