ચોટીલા મામલતદાર કચેરીમાં એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમના ધામા

બામણબોર-જીવાપર ગામની 800 એકર એએલસી જમીન કૌભાંડમાં ચોટીલા તા.13
ચોટીલા રાજકોટ વચ્ચે આકાર લેનાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીકની બામણબોર જીવાપર વિસ્તારમાં ટોચમર્યાદામાં ફાજલ થઇ સરકાર થયેલ કરોડોની જમીનને કેટલાક ભૂમાફિયા અને અધિકારીઓની મિલીભગતથી ખોટા પુરાવાઓના આધારે મનસ્વી અર્થઘટન કરી ખાનગી માલિકી ઠેરવી દેવાનાં કૌભાંડમાં તત્કાલીન અધિક કલેક્ટર ચોટીલા પ્રાત અધિકારી,ઇન્ચાર્જ મામલતદાર સહિતના સામે જીલ્લા કલેકટરે એસીબીમાં ફરીયાદ કરતા જીલ્લા મહેસુલ વિભાગમાં હડકંપ મચી ગયેલ છે. કરોડોનાં કૌભાંડની ફરીયાદ બાદ રાજ્યની એન્ટીકરપ્શન વિભાગ હરકતમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો જેના ભાગ રૂપે તા.12/2 નાં બપોરથી મોડી રાત સુધી એસીબીની બે ગાડી સાથેનો કાફલાએ ચોટીલા મામલતદાર કચેરીમાં ધામા નાખતા કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કચેરીમાં બંધ બારણે બપોરથી મોડી રાત સુધી એસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ એસીબી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કોણ અધિકારી કર્મચારી ક્યાં સમયમાં ક્યાં ટેબલની કામગીરી સંભાળતા તેમજ જમીન રેકર્ડમાં એવા પ્રકારની માહિતી મેળવવા પ્રયાસ કરેલ હતો કે કૌભાંડ આચરેલ વીડી કેસમાં કોની શું ભુમિકા હોય તેમજ કાયદાની અંદર કોણે શું અર્થઘટન કર્યુ સહિતની કડીઓ તેમજ નિવેદન સાથે કેટલાક લોકોએ સાથે મળીને આ કૌભાડ આચર્યું તેની વિગતો અંગે કાર્યવાહી આરંભેલ હોવાનું જાણવા મળે છે. એસીબીની તપાસ શરૂ કરતા સમગ્ર મામલો વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.