રેશ્મા NCPની ટિકિટ પર પોરબંદરથી લડશે

રાજકોટ તા.13
રેશ્મા પટેલ હાલમાં ભાજપના કદાવર મહિલા નેતા છે. જેઓએ હાર્દિક સાથે છેડો ફાડીને ભાજપમાં ઝંપલાવ્યું હતું. જેના મીઠા ફળ તેઓ ભોગવી રહ્યાં છે. ભાજપે પાટીદારો માટે આપેલાં એક પણ વચનો ન પાળતાં તેઓ આજે ભાજપમાં હોવા છતાં ખુલ્લેઆમ ભાજપ વિરોધી બયાનો આપી વિવાદ ઉભો કરે છે. ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી હોવા છતાં તેણે રેશ્મા માટે સોફ્ટ કોર્નર દાખવ્યો હોય તેમ પગલાં ભરતાં ખચકાઈ રહી છે. રેશ્મા પટેલે ભાજપના દરેક નિર્ણયમાં પાર્ટી વિરુદ્ધમાં પોતાનો સ્પષ્ટ મત રજૂ કર્યો છે. હવે એ બાબત બહાર આવી છે કે, રેશ્મા પટેલ સૌરાષ્ટ્રમાંથી પોરબંદર સીટ પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. ભાજપ તેમને ટીકિટ આપે તેવી સંભાવના નથી. કોંગ્રેસ કોઈ પણ કાળે રેશ્મા પટેલને ટીકિટ ન આપે. આ દરમિયાન એક એવા સમાચાર બહાર આવ્યા છે કે રેશ્મા પટેલ એનસીપીમાંથી સૌરાષ્ટ્રમાં ઝંપલાવી શકે છે. રેશ્મા ઝંપલાવે તો ભાજપને ફાયદો ?
રેશ્મા પટેલ પોરબંદરમાંથી ઝંપલાવે તો ભાજપની સાથે કોંગ્રેસને પરેશાન કરી શકે છે. એનસીપીનો અહીં દબદબો છે. પોરબંદરમાં એનસીપીની સીટ પરથી કાંધલ જાડેજા વિઘાનસભાની સીટ પણ જીતી ચૂકયા છે. અહીં જો એનસીપીમાંથી રેશ્મા ઝંપલાવે તો ભાજપ કરતાં કોંગ્રેસને વધારે નુક્સાન જાય તેવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં એનસીપીનું જોડાણ કોંગ્રેસ સાથે છે.   સાંસદ બનવા રાદડિયા મંત્રીપદ દાવ પર મૂકશે
ગુજરાતમાં હાલમાં એનસીપીની બાગડોર શંકર સિંહ વાધેલાના હાથમાં છે. પોરબંદરમાં સીટ માટે જયેશ રાદડિયાએ પણ પ્રયાસો શરૂ કર્યા છે. જેઓ લોકસભાના સાંસદ બનવા માટે મંત્રીપદ પણ દાવ પર મૂકવા તૈયાર થયા છે. જેઓએ આ સીટની ભાજપ સમક્ષ માગ મૂકી છે. જો રેશ્માને આ સીટ પર ટીકિટ અપાય તો પોરબંદરમાં ત્રિપાંખિયો જંગ લડાય તેવી પૂરી સંભાવના છે.