યુનિ.ના જાતીય સતામણીકાંડમાં પ્રો.રાકેશ જોષીની હકાલપટ્ટી

નવા વાઈસ ચાન્સેલરે આવતાવેત ચકચારી પ્રકરણમાં વિકેટ ખેડવી, શિક્ષણક્ષેત્રમાં ખળભળાટ
યુનિ.ના જાતીય સતામણીકાંડમાં પ્રો.રાકેશ જોષીની હકાલપટ્ટી રાજકોટ તા,13
સૌરાષ્ટ્ર યુનિ.ના ભારે ચકચારી અને લાંછનરૂપ બનેલા રીસર્ચ સ્ટુડન્ટ યુવતીની જાતીય સતામણીના કેસમાં અંતે નવનિયુક્ત વાઇસ ચાન્સેલર પેથાણીએ આકરૂ પગલું લઇ આ ઘટનામાં જવાબદાર પ્રોફેસર ડો.રાકેશ જોષીની હકાલપટ્ટી કરવાનો હુકમ કર્યો છે. સાથો સાથ અર્થશાસ્ત્ર ભવનના વડા પ્રોફેસર પી.જી.મારવાણીયા પાસેથી ભવનના વડાનો હવાલો લઇ કોઇ અન્ય સિનિયર પ્રોફેસરને આપવાનો હુકમ કરતા શિક્ષણક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં પી.એચ.ડી. કરતી છાત્રા પાસે અઘટીત માગણી કરવાના ભારે ચકચારી બનેલા પ્રકરણમાં યુનિ. દ્વારા એન્ટી સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલને તપાસ સોંપવામાં આવી હતી. જેના પગલે તપાસ દરમિયાન તપાસ સમિતિએ વિવિધ લાગતા-વળગતા તેમજ ભોગ બનનાર યુવતિ સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા.
તપાસ દરમિયાન પ્રો.રાકેશ જોષીએ યુવતિને દિવની હોટલમાં એક રાત્રી સાથે રોકાવવાનું દબાણ કર્યા સહિતની ચોંકાવનારી વિગતો ખુલી હતી. અંતે તપાસ સમિતિ દ્વારા આજે વી.સી.એ. પ્રોફેસર રાકેશ જોશીને ફરજ સાથે પાંચ વર્ષ માટે ગાઈડશીપ મોકૂફીનો હુકમ કર્યો હતો તેમજ તેની નીચે છાત્રોને અન્ય ગાઈડ ફાળવવા હુકમ કર્યો હતો.