મોદી સરકારે સંસદની મંજૂરી વગર ખર્ચી નાખ્યા 1156 કરોડ

 રાફેલ બાદ કેગનાં અહેવાલે મોદી સરકારને ફરી મુશ્કેલીમાં મૂકી
નવીદિલ્હી તા.13
કેન્દ્ર સરકાર સંસદની પૂર્વ મંજૂરી વિના બજેટમાં નિર્ધારિત કરેલી રકમથી વધુ ખર્ચ ના કરી શકે, પણ કેગના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંસદમાં રજૂ થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે સંસદની પૂર્વમંજૂરી વિના જ રૂ. 1,156.80 કરોડ ખર્ચી કાઢયા છે. કેગના અહેવાલમાં નાણામંત્રાલયની કાર્યપ્રણાલી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેગના રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2017-18ના સિલસિલામાં આ વાત કહેવામાં આવી છે. કેગનો અહેવાલ ફાઇનાન્શિયલ ઓડિટ ઓફ ધ એકાઉન્ટ્સ ઓફ ધ યુનિયન ગવર્નમેન્ટને નામે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
કેગના અહેવામાં નાણા મંત્રાલયની કાર્ય પદ્ધતિ પર જ સવાલ ઉઠાવાયા છે. નાણા મંત્રાલય યોગ્ય માળખું (નવી સેવાઓના સંદર્ભમાં) વિકસિત કરવામાં નિષ્ફળ રહ્યું, જેના લીધે વધારાનો ખર્ચ થયો. આ સિવાય મંત્રાલયને આધીન આવતા આર્થિક મામલોના વિભાગ પણ પૂર્વ નિર્ધારિત ખર્ચ (જોગવાઈ)ને વધારવાને મામલે મંજૂરી લેવામાં નિષ્ફળ રહ્યો.
સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટી પણ એના 83મા અહેવાલમાં ગ્રાંટ્સ-ઇન-એડ અને સબસિડીના મદમાં પહેલેથી નિર્ધારિત રકમને વધારવા મામલે ગંભીર વાંધો
ઉઠાવી ચૂકી છે.
આ પ્રકારની ગંભીર ખામીઓ એ વાત દર્શાવે છે કે સંબંધિત મંત્રાલય અથવા વિભાગનું બજેટન આકલન ત્રુટીપૂર્ણ છે અને નાણાકીય નિયમો અને જોગવાઈઓની માહિતીનો અભાવ રહેલો છે, એમ પીએસીએ એના અહેવાલમાં કહ્યું હતું.