યુ.પી.ની 12 લોકસભા બેઠકના કાર્યકરો સાથે પ્રિયંકાનો પરામર્શ

લખનઉ તા,13
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો ઉત્તર પ્રદેશ મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. મંગળવારે રાતે પ્રિયંકા ગાંધીને 41 લોકસભા સીટની અને જ્યોતિરાદિત્ય સિંધિયાને 39 સીટની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકાએ 12 લોકસભા સીટના બુથ પ્રભારીઓ સાથે મંગળવારે મોડી રાત સુધી બેઠક કરી હતી. બેઠકમાંથી
નીકળ્યા પછી જ્યારે પ્રિયંકાને પતિ રોબર્ટ વાડ્રા સાથેની પૂછપરછ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, આ બધું તો ચાલતું રહેશે, હું મારું કામ કરુ છું.
પ્રિયંકાએ લોકસભા ચૂંટણીના રાજકારણ વિશે કહ્યું કે, હાલ હું સંગઠન, તેની સંરચના વિશે ઘણું શીખી રહી છું. જોઈ રહી છું કે શું જરૂરી ફેરફાર કરી શકાય એમ છે. હું કોંગ્રેસ કાર્યકર્તાઓનો ફિડબેક પણ લઈ રહી છું કે તેમના મત પ્રમાણે અમારે ચૂંટણી લડવા શું કરવાની જરૂર છે.
પ્રિયંકા ગાંધી બુધવારે 12 અન્ય લોકસભા સીટના બૂથ કાર્યકર્તાઓ અને ગુરુવારે ઉત્તરપ્રદેશ મુલાકાતના છેલ્લા દિવસે 17 લોકસભા સીટના કાર્યકર્તાઓનો ફિડબેક લેશે. પ્રિયંકાને જે સીટની જવાબદારી આપવામાં આવી છે તેમાં કોંગ્રેસનો ગઢ રાયબરેલી, અમેઠી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર વારાણસી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઢ માનવામાં આવતી ગોરખપુર સીટ સામેલ છે.
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે લખનઉમાં રોડ શો પછી તેમનું કામકાજ સંભાળ્યું છે. સોમવારે રોડ શો પછી પ્રિયંકા તુરંત જયપુર માટે રવાના થયા હતા. ત્યાં તેમના પતિ રોબર્ટ વાડ્રાની બીકાનેરમાં મનિ લોન્ડરિંગ કેસમાં ઈડી પૂછપરછ કરી રહી છે. કેસરગંજ, શ્રાવસ્તી, ગોંડા, ડુમરિયાગંજ, બસ્તી, સંતકબીરનગર, મહારાજગંજ, ગોરખપુર, દેવરિયા, બાંસગાંવ, લાલગંજ અને આઝમગઢ લોકસભા બેઠકના કાર્યકરો સાથે પ્રિયંકા આજે બેઠક કરવાના છે.