પંચાયતનગરમાં 6 માસ પૂર્વે બનાવેલી ફૂટપાથ ખોદી નાખી

 નવેનવી ફૂટપાથ કેબલ કામ માટે ખોદી નખાતા રહેવાસીઓમાં રોષ
રાજકોટ તા.13
સામાજિક અગ્રણી તુષીત પાણેરીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે કે જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટ મનપાની ભાજપ સરકાર યેનકેન પ્રકારના ગતકડા કરી જનતાને ગુમરાહ કરીને પરાણે પ્રીત મેળવવા અધીરી બનતી જાય છે.
વિકાસના નામે જનતાના પૈસાનો બેફામ વેડફાટ થઇ રહ્યો હોવાનો તાજો દાખલો રાજકોટના યુનિ. રોડ પર આવેલ પંચાયતનગરમાં સામે આવ્યો છે.
પંચાયતનગર સોસાયટીના મેઇન રોડ પર તેમજ સોસાયટીની અમુક શેરીઓમાં અંદાજે છ-સાત મહિના પહેલા ભાજપના જ કોર્પોરેટરોએ બ્લોક ફુટપાથ મંજુર કરીને મોટા ભપકા સાથે લોકોની માંગણી સ્વીકારી ખાતમુહૂર્ત કર્યુ હતું પણ આજે આજ બ્લોક ફુટપાથને અંડરગ્રાઉન્ડ વીજ કેબલો નાખવા માટે ખોદી નાખવામાં આવી છે ત્યારે એક સવાલ ચોક્કસ થાય કે આ તે કેવો અણઆવડતભર્યો વહીવટ ? જે જગ્યાએ બ્લોક ફુટપાથ બનવાની છે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલીંગ પહેલા જ કરી દેવું જોઇએ ? અથવા તો કેબલીંગ થયા બાદ ફુટપાથ બનાવવી જોઇએ જેથી કરીને પ્રજાના પૈસાનો વ્યય ન થાય.
શું વીજકંપનીના અધિકારીઓએ રાજકોટ મનપાના સતાધીશોને અંડરગ્રાઉન્ડ કેબલીંગ કરવા મુદ્દે અગાઉ જાણ નહી કરી હોય ? અથવા તો જાણ કરાઇ હોવા છતા માત્ર વિકાસનો દેખાવ કરવા જ ફુટપાથ બનાવાઇ ? અથવા તો રાજકોટ મનપા અને જીઇબીના અધિકારીઓ બંનેની આમા મીલીભગત કે સેટીંગ છે ?
હાલમાં જ બનેલ બ્લોક ફુટપાથ ખોદી નાખતા સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ ફેલાયો છે. સ્થાનિકોનો સવાલ છે કે જો છ મહિના બાદ તોડી જ નાખવી હતી તો બનાવી શા માટે ?