સ્નાન તનને, દાન ધનને, દયા મનને અને જાપ આત્માને પવિત્ર બનાવે છે: પૂજ્ય ધીરગુરુદેવ

 જામનગરમાં પૂજ્ય ધીરગુરુદેવના સાંનિધ્યમાં દિવ્ય મન શાંતિ જાપમાં ભાવિકો ભાવવિભોર: 21મીએ પોરબંદરમાં પાર્શ્ર્વનાથ ઉપાશ્રયનું કરાશે ઉદ્ઘાટન
રાજકોટ તા.13
શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે અમેરિકા વસતા ડો.ચંદ્રાબેન મહેન્દ્રભાઇ વારીઆ પ્રેરિત રૂક્ષ્મણીબેન મગનલાલ વોરા અને કમળાબેન રંગીલદાસ વારીઆની સ્મૃતિમાં ડુંગર દરબાર, ઓસવાલ સેન્ટરમાં પ્રથમ જ વાર ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરુદેવના શુભંકર સાંનિધ્યે દિવ્ય મન શાંતિ જાપના પ્રારંભે ભાવિકો ભાવવિભોર બન્યા હતા. આ પ્રંસગે પૂ.અવનીજી મ.સ. ઠાણા-2, પૂ. માલતીજી મ.સ. આદિ બોટાદના પૂ.અરૂણાબાઇ મ.સ. આદિ પધાર્યા હતા.પૂ.શ્રી ધીરગુરુદેવે જણાવેલ કે ચિંતા નહીં ચિંતન કરો, વ્યથા નહી વ્યવસ્થા કરો, જોયા કરો જતું કરોની ભાવનાથી જીવનમાં પ્રગતિ થયા વિના રહેશે નહિ.
જૈનસમાજવતી ડો.ચંદ્રાબેન વારીઆનું નવકાર મહામંત્રની ગોલ્ડન ફ્રેમથી જૈન અગ્રણીઓએ સન્માન કરી બિરદાવ્યા હતા. દિવ્ય જાપ પ્રસંગે રાજકોટ, ધ્રોલ, ખંભાળિયા, કાલાવડ, લાલપુર, મુંબઇ વગેરે તેમજ જામનગરના વિવિધ સંઘોનાં ભાવિકો જોડાયા હતા. સમગ્ર વ્યવસ્થા નીલેશ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સંઘસેવકોએ સંભાળી હતી.
પૂ.શ્રી ધીરગુરુદેવ તા.14ના સવારે 8:30 કલાકે લીમડાવારા ઉપાશ્રય, ચાંદી બજાર પધાર્યા બાદ 9:30 કલાકે પ્રવચન અને બપોરે 4 કલાકે લાલપુર તરફ વિહાર કર્યા બાદ તા.15ના સવારે 8 કલાકે લાલપુર અને 9:30 કલાકે જાહેર પ્રવચન બાદ સાંજે વેરાડ તરફ પધારશે.
તા.16ને શનિવારે સવારે 8:30 કલાકે કાટકોલામાં સ્વાગત સામૈયું અને વ્યાખ્યાન તેમજ તા.17ને રવિવારે પૂ.શ્રી પ્રેમ-ધીરગુરુદેવની 38મી દીક્ષા જ્યંતી અને દુબઇ-મસ્કત વસતાં માતુશ્રી ચંદનબેન ધીરજલાલ મણિયાર-ચંદ્રપ્રભ જૈન ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધિ ઉજવાશે. આ પ્રસંગે કિશોર, દિનેશ, કીર્તિ, પંકજ મણિયાર તરફથી ધૂમાડાબંધ ગામજમણ રાખેલ છે. બરવાળા સંપ્રદાયના આચાર્ય પૂ. ચંપકલાલજી મ.સા. એ વિ.સં.1997માં કાટકોલામાં સ્વયંદીક્ષા અંગીકાર કરેલ હતી. તા.17ના સાંજે પૂ.ગુરુદેવ જન્મભૂમિ જશાપર પધારશે અને તા.21ના ગુરુવારે પોરબંદરમાં નિખીલ અને રાજેશ દફતરી (અમેરિકા) પ્રેરિત પાર્શ્ર્વનાથ ઉપાશ્રયનું ભોજેશ્ર્વર પ્લોટ ખાતે ઉદ્ઘાટન યોજાશે.