પુસ્તકોનું વાંચન માણસના વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે છે

 જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ વિષય પર પૂ.જ્ઞાનવત્સલ સ્વામી અને જય વસાવડાનો વાર્તાલાપ
રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલમાં ગઇકાલ તરવરાટ સાહિત્ય સંધ્યા કાર્યક્રમ હેઠળ પૂ.જ્ઞાનવત્સલસ્વામી અને જય વસાવડાનું વકતવ્ય યોજવામાં આવ્યું હતું. જેમાં તેમણે યુવાનોને વાંચન તરફ દિશાસુચન કરતી બાબતો જણાવી હતી. પુસ્તકો કેવી રીતે જીવનમાં ઉપયોગી થઇ શકે એ ઉપરાંત કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં તેની ભુમિકા કેટલે અંશે મહત્વની છે એ વિષય પર બંને વકતાઓએ શ્રોતામિત્રો સાથે સંવાદ સાધ્યો હતો.
માણસનાં મન માટે વાંચનની ભુખ સંતોષવી કેટલી જરૂરી છે એ વિશે જણાવતાં જયભાઇએ કહ્યું હતું કે, હૃદયનાં અલગ-અલગ આવેગોની માફક મગજનાં પણ ભિન્ન-ભિન્ન આવેગો છે. માણસ જેટલું વધારે વાંચન કરશે એટલો એનો ઘડો વધારે ભરાશે. કમ્યુનિકેશન ઇઝ ધ કી ફોર ટવેન્ટી-ફર્સ્ટ સેન્ચ્યુરી પરંતુ પુસ્તકો વગર કમ્યુનિકેશન શીખી જ ન શકાય ! આજનાં યુગમાં દરેકને પસંદગી કરી શકવાની સ્વતંત્રતા જોઇએ છે પરંતુ સૌથી મોટી સ્વતંત્રતા તો ભુલ કરવાની છે.
વાંચનની શરૂઆત અંગે વાત કરતાં જયભાઇ જણાવે છે કે, પુસ્તકોની સફર થકી જ ડીઝનીલેન્ડ, ઇઝરાયેલ, ઇજીપ્ત વગેરે દેશો ફરવા મળ્યા. કલ્પનનાં વિશ્ર્વમાં તદન નિ:શુલ્ક આંટો મરાવી શકે એ છે એક પુસ્તકની તાકાત ! સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેહુલ દવેએ કર્યુ હતું. પૂ.જ્ઞાનવલ્લભ સ્વામીએ પણ પોતાનાં વકતવ્યમાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓની વાંચનની ટેવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે અગર એપલ ફાઉન્ડર સ્ટીવ જોબ્સ પાસે પણ આખા દિવસમાં 40-45 મિનિટ પુસ્તકો માટે હોય તો આપણી પાસે ન હોય એવું કયાંથી બને ? ઇન્ફર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. આ એવી બાબત છે જે મનુષ્યને પશુથી અલગ કરે છે. વાંચન, વિચાર અને વર્તનનો સમન્વય માણસને વિશિષ્ટ બનાવે છે.
આજની ટચ-સ્ક્રીન જનરેશન પાસે પુસ્તકો વિશે વિચારવાનો પણ સમય નથી. ધીરજ નામનો શબ્દ નવી પેઢીનાં મગજમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાનાં જીવનમાં ઓછામાં ઓછા 200-300 પુસ્તકો વાંચી ન લે ત્યાં સુધી તેની વિચારશક્તિ ખીલવાને કોઇ અવકાર જ નથી. સ્વામી વિવેકાનંદ અને વીર સાવરકરનો નવી પેઢી સાથે સંવાદ
ગુજરાતી-કાઠિયાવાડી પ્રજા અને નવી જનરેશન સુધી ભારતનાં મહાન સપુતોની વાત પહોંચાડવા માટે રેસકોર્ષ ડોમમાં રાજકોટનાં નામાંકિત કલાકારોને વીર સાવરકર અને સ્વામી વિવેકાનંદની વેશભુષામાં તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટનાં આ ભવ્ય બુકફેર અને સાહિત્ય ઉત્સવમાં વીર સાવરકરનું પાત્ર ભજવનાર મયુર બોરડા કહે છે કે ઘણા લોકોને વીરસાવરકર, સ્વામી વિવેકાનંદ કોણ છે તેનો ખ્યાલ જ નથી. તેથી લોકો આવા મહાપુરૂષો વિશે જાણવાની પ્રેરણા મેળવે તે ઉપરાંત વાંચકોને તથા શ્રોતાઓને વિવિધ સાહિત્યકારો વિશે જાણકારી મળે એ હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે.