વાલ્મીકિ સફાઈ કામદારોની મનપામા નારેબાજી

 મ્યુનિ કમિશનર અને સ્ટે ચેરમેનને આવેદન પાઠવ્યું
 કોન્ટ્રાક્ટરોને ખટાવો છો તેમ કહી રૂપિયા વેર્યા
રાજકોટ તા.13
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી એક પણ કાયમી સફાઈ કામદારની ભરતી કરવામા નથી આવી જ્યારે રાજકોટ શહેરનું ક્ષેત્રફળ દિવસે દિવસે વધતુ જતુ હોવાથી 3000 સફાઈ કામદારોની તાત્કાલીક જરૂરિયાત હોવા છતાં મનપા દ્વારા કાયમી સફાઈ કામદારોની ભરતી ન કરાતા શનિવારથી ઉપવાસ ઉપર બેઠેલ વાલ્મીકી સફાઈ કામદારો દ્વારા આજરોજ કોર્પોરેશન ખાતે
નારેબાજી લગાવી મ્યુનિસિપલ કમિશનરને સ્ટે. ચેરમેન ઉદયભાઈ કાનગડને આવેદનપત્ર પાઠવી જોરદાર રજુઆત કરી હતી.
વાલ્મીકી સમાજના સફાઈ કામદારો દ્વારા ગત શનિવારથી પડતર માગણીઓના પ્રશ્ર્ને ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યુ છે. ગત માસે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવેલ ત્યારે સ્વચ્છ સર્વેક્ષણમાં ખલેલ ન પહોંચે તે માટે કામગીરી ચાલુ રાખવા તેમ કહી કમિશનરે લોલીપોપ આપેલ અને આજસુધી પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા વાલ્મીકી સમાજના 150થી વધુ મહિલાઓ તેમજ પુરૂષ સફાઈ કામદારોએ ધીરજ ગુમાવી હતી અને આજે મ્યુનિસિપલ કમિશનર તથા સ્ટેન્ડિંગ ચેરમેનને રજુઆત કરી કોર્પોરેશન કચેરીમાં નારે બાજી લગાવતા પોલીસ વિભાગને બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
વાલ્મીકી સમાજના 150થી વધુ મહિલા તથા પુરૂષ સફાઈ કામદારોએ કાયમી સફાઈ કામદારોની નવી ભરતી તેમજ વર્ષો જુના પ્રશ્ર્નોને લઈને આજરોજ કોર્પોરેશન કચેરીએ ‘હમારી માગે પુરી કરો, સફાઈ કામદારોની ભરતી કરો’ સહિતના નારા લગાવી કોર્પોરેશન કચેરી ગજાવી મુકતા વિજિલન્સ અને પોલીસ વિભાગ દ્વારા તાત્કાલીક બંદોબસ્ત ગોઠવી દેવાયેલ. ત્યારબાદ સફાઈ કામદારો મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું હતું.