દિલ્હીમાં મહા ગઠબંધનનો ‘મહાકુંભ’

 જંતર-મંતર પર આમ આદમી પાર્ટી આયોજિત રેલીમાં મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ, ફારૂક અબ્દુલ્લા, દેવગૌડા, શરદ યાદવ હાજર: મમતાને આવકારતા પોસ્ટર્સ લાગ્યા
નવીદિલ્હી તા.13
લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ વિરુદ્ધ એક વધુ મહારેલીમાં વિપક્ષી નેતા આજે જંતર મંતર પર ભેગા થયા છે અને વિભિન્ન મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરશે. રેલીનું આયોજન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી કરી રહી છે. પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ભગવા પક્ષને લઈને ખુબ આક્રમક છે. ‘આપ’ના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે જણાવ્યું કે રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ફારુક અબ્દુલ્લા,
અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ યાદવ રેલીમાં જોડાયા છે. તેમણે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોક દળ અને અન્ય પાર્ટીઓના નેતા પણ મહારેલીને સંબોધશે. તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રેલીમાં ભાગ લેશે તો દિલ્હી સરકારના મંત્રી રાયે કહ્યું કે તેમને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. રાયે જણાવ્યું કે પાર્ટીએ તે તમામ વિપક્ષી નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે જે ગત મહિને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી તરફથી આયોજિત કરાયેલી ભાજપ વિરોધી રેલીમાં આવ્યાં હતાં.
સૂત્રોએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રેલી ભાજપ અને તેના નેતૃત્વવાળા એનડીએના સહયોગીઓને પડકારવા માટે મહાગઠબંધન બનાવવા માટે વિપક્ષી નેતાઓને એક સાથે લાવશે. મોદીની એક્સપાયરી ડેઈમ ખતમ: મમતા
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે દિલ્હીમાં બંધારણ અને લોકતંત્ર બચાવવા માટે રેલી યોજી હતી. મમતા જંતર-મંતર પર ધરણાં માટે પણ બેઠા છે. દિલ્હીની આ રેલી અરવિંદ કેજરીવાલ તરફથી રાખવામાં આવી છે. કોલકાતાથી દિલ્હી આવતી વખતે મમતા બેનર્જીએ કહ્યું, નરેન્દ્ર મોદી જાણે છે કે, તેઓ ફરી સત્તામાં નથી આવવાના. તેમની એક્સપાઈરી ડેટ ખતમ થઈ ગઈ છે. 15 દિવસની અંદર ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે. ચૂંટણી પછી અમે નવી સરકાર જોઈશું. દેશ પરિવર્તન ઈચ્છે છે. દેશ તે અખંડ ભારતને જોવા માંગે છે જેમાં લોકતંત્ર અને સમાનતા હોય.