મોદી શાસનવાળા લોકસભા સત્રના છેલ્લા દિવસે વિરોધ પક્ષોનો હોબાળો

પ્રશ્ર્નકાળના પ્રારંભે જ ભારે વિરોધ વચ્ચે સદનની કાર્યવાહી મોકૂફ
 રાષ્ટ્રપતિના સંબોધન બાદ સાંજે વડાપ્રધાનનો જવાબ; મહત્ત્વના ખરડા અધ્ધરતાલ રહેવા ભીતિ
નવી દીલ્હી તા,13
એનડીએના શાસનકાળમાં લોકસભાના બજેટ સત્રના સમાપનદિને આજે મોદીના કાર્યકાળમાં સદનની છેલ્લી બેઠક શરુ થઈ હતી પરંતુ પ્રારંભે જ વિપક્ષોએ રાફેલ ડીલ મામલે હોબાળો કરતા અધ્યક્ષે સદનની કાર્યવાહી બપોર સુધી મોકૂફ જાહેર કરી હતી.
સદનના પૂર્વ સદસ્યો કુંજી લાલને શ્રધ્ધાંજલિ અપાયા બાદ સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશમાં પોલીસ દ્વારા સ.પા. કાર્યકર્તાઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો હતો. અધ્યક્ષા સુમિત્રા મહાજને તેમને પ્રશ્ર્નકાળ પછી આ મુદ્દો ઉઠાવવા કહ્યું હતું અને
પ્રશ્ર્નકાળનો આરંભ કરાવ્યો હતો પરંતુ એવામાં જ સમાજવાદી પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસના સાંસદો વેલમાં ઘસી આવ્યા હતા તથા સૂત્રોચ્ચાર શરુ કરી દીધા હતા. પાંચ જ મિનિટ બાદ સ્પીકરે બપોર સુધી સદનની કાર્યવાહી મોકૂફ રખાવી દીધી હતી.
બપોરબાદ પણ રાફેલ ડીલ સહિતના મામલે વિપક્ષો સરકાર પર પસ્તાવ પાડવાના મુડમાં છે એવામાં લોકસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે પરંતુ મહત્વના વિધેયકો તેમાં પસાર થશે કે કેમ એ હજુ અધ્ધરતાલ છે.
સાંસદનું બજેટસત્ર અને મોદીના 2014 પછીના કાર્યકાળનું છેલ્લુ સત્ર આજે પુરુ થઈ રહ્યુ છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવની ચર્ચા બાકી છે. એના પર ચર્ચા વગર સત્ર પુરું થશે તો સંસદીય ઈતિહાસમાં આવું પ્રથમવાર બનશે. આ ઉપરાંત સરકાર રાજ્યસભામાં ત્રણ તલાકનો ખરડો પસાર કરાવવા આતુર છે. રાષ્ટ્રપતિ સંબોધન પર આભાર પ્રસ્તાવનો જવાબ વડાપ્રધાન રાજ્યસભામાં મોડી સાંજે આપે તેવી શકયતા છે.
વળી, અફઘાનીસ્થાન, પાકીસ્તાન અને બાંગ્લાદેશના બિનમુસ્લીમ હિજરતીઓને નાગરિકતા આપવા માટે નાગરિકતા સુધારા ખરડો પણ આજે રાજ્યસભામાં રજુ થાય તેવી શકયતા છે.
આભાર પ્રસ્તાવ પસાર કરવા સરકાર અને વિપક્ષ વચ્ચે પાછલા બારણે વાતચીત થઈ હતી આજે બે કાલક ચર્ચા થશે અને બાકીના સમયમાં આવશ્યક ખરડાઓ પસાર કરાવાશે. વિપક્ષોએ સામે શરત રાખી છે કે સરકાર નાગરિકતા સુધારા કાયદો અને ત્રણ તલાક જેવો ખરડો રાજ્યસભામાં રજુ ન કરે. રાજ્યસભામાં જો આ બન્ને ખરડા પસાર નહીં થાય તો એ આપોઆપ પડી ભાંગશે.
રાફેલ મુદ્દે વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન
સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં ગૃહની બહાર ટીડીપી, તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે દેખાવો કર્યો હતો. તૃણમુલ કોંગ્રેસના સભ્યોએ કાળા કપડાં પહેરીને મોદી ગર્વનમેન્ટ એક્સપાઈરી ડેટ ઈઝ ઓવરના હોર્ડિંગ લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંઘી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત અન્ય કોંગ્રેસ નેતાઓએ સંસદ પરિસરમાં ગાંધી મૂર્તિ પાસે રાફેલ મુદ્દા વિશે પ્રદર્શન કર્યા હતા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે સંસદમાં રાફેલ મુદ્દા વિશે મહત્વની બેઠક થઈ હતી. NDA સરકારને ‘કેગ’ની ક્લિનચીટ:
રાફેલ ડીલ UPA કરતાં 2.86% સસ્તી
લોકસભા ચૂંટણી પહેલાં રાફેલ પર રણનીતિ વધી રહી છે. રાજ્યસભામાં રાફેલ ડીલ વિશેનો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, યુપીએ કરતાં એનડીએની ડીલ સસ્તી છે. 126 વિમાનની જૂની ડીલ સાથે સરખામણી કરીએ તો 36 રાફેલ વિમાનનો નવો સોદો કરીને ભારતને 17.08 ટકા પૈસા બચાવવામાં સફળતા મળી છે. તે ઉપરાંત જૂની ડીલની સરખામણીએ નવી ડીલમાં 18 વિમાનની ડિલીવરીનો સમય પણ વહેલો થયો છે. પહેલાં 18 વિમાન ભારતને પાંચ મહિના પહેલાં મળી જવાના છે. રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા કેગ રિપોર્ટ પ્રમાણે મોદી સરકારે જે રાફેલ વિમાનની ડીલ કરી છે તે સસ્તી છે. રિપોર્ટ પ્રમાણે રાફેલ ડીલ 2.86 ટકા સસ્તી છે. કેગ રિપોર્ટથી મોદી સરકારનો દાવો ખોટો પડ્યો છે. મોદી સરકારે કહ્યું હતું કે, તેમણે રાફેલ વિમાન 9 ટકા સસ્તા ભાવે ખરીદ્યા છે.