અંબાણીના વચેટીયા બની મોદીનો રાજદ્રોહ: રાહુલ

 શંકાસ્પદ ઇ-મેઇલની વાત પરથી પરદો ઊંચકતી કોંગ્રેસ
 સંયુક્ત સંસદીય સમિતિ અને ફોજદારી તપાસની માંગ
નવી દિલ્હી તા.13
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ યુદ્ધવિમાનોના સોદામાં અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કરીને રાજદ્રોહ કર્યો હતો અને સત્તાવાર ગુપ્તતા ધારાનો ભંગ કરવાના આ ગુના માટે તેમને જેલની સજા થવી જોઇએ.
રાહુલ ગાંધીએ ઍરબસના અધિકારી નિકોલસ ચેમસીએ ત્રણ જણને 2015ની 28મી માર્ચે મોકલેલા ઇમેલના સબ્જેક્ટ (વિષય)માં અંબાણી લખાયું હોવાનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભારત અને ફ્રાંસે રાફેલ યુદ્ધવિમાનોનો સોદો કર્યો તેની પહેલાં અનિલ અંબાણીને આ સંબંધમાં જાણકારી હતી. કોંગ્રેસના પ્રમુખે દાવો કર્યો હતો કે આ ઇમેલ પરથી માલૂમ થાય છે કે અંબાણીએ ફ્રાંસના તે સમયના સંરક્ષણપ્રધાન જીન-યવેસ લી ડ્રાયનની ઑફિસની મુલાકાત લીધી હતી અને વડા પ્રધાનની ફ્રાંસની મુલાકાત વખતે સંબંધિત જે સમજૂતી કરાર પર સહી કરવાના હતા તેની જાણકારી આપી હતી. રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે તે સમયના વિદેશસચિવ એચ. જયશંકર અને તે વખતના સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરને આ સોદાની ખબર નહોતી, તો પછી અંબાણીએ ફ્રાંસના સંરક્ષણપ્રધાનની ઑફિસમાં તેનો કઇ રીતે ઉલ્લેખ કર્યો? તેમને આ સોદા અંગે અગાઉથી જાણ કઇ રીતે થઇ હતી?
કોંગ્રેસના પ્રમુખે આ પ્રકરણમાં સંયુક્ત સંસદીય સમિતિની અને ફોજદારી તપાસની માગણી કરતા જણાવ્યું હતું કે વડા પ્રધાને આ પ્રકરણમાં સત્તાવાર ગુપ્તતા ધારાનો ભંગ કર્યો ગણાય. આ સોદા અંગે માત્ર નરેન્દ્ર મોદીને ખબર હતી, તો પછી અનિલ અંબાણીની પાસે તેની જાણકારી કઇ રીતે હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અનિલ અંબાણીને આ સોદાના દસ દિવસ પહેલાંથી જ ખબર હતી કે સંરક્ષણ ક્ષેત્રમાંના વિશ્ર્વના સૌથી મોટા સોદામાંનો એક પોતાને જ મળવાનો છે. સત્તાવાર ગુપ્તતા ધારાનો ભંગ બહુ જ ગંભીર ગુનો ગણાય અને તેના માટે જેલની સજા થવી જોઇએ. કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે હવે કોઇના મનમાં શંકા નથી રહી કે વડા પ્રધાન ભ્રષ્ટ વ્યક્તિ છે અને તેમણે અનિલ અંબાણીને મદદ કરી હતી. રાહુલના આક્ષેપ પાયાવિહોણા: ભાજપ
દરમિયાન, ભારતીય જનતા પક્ષે કોંગ્રેસના પ્રમુખના આ આક્ષેપને રદિયો આપ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે ઍરબસના અધિકારીએ રાફેલ યુદ્ધવિમાનોના સંબંધમાં નહિ, પરંતુ એક હેલિકોપ્ટર સોદાના સંબંધમાં ઇ-મેલ લખ્યા હતા. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ગાંધી પરિવારમાંથી ભૂતકાળમાં વડા પ્રધાન બનેલા નેતાઓના શાસનકાળમાં અનેક વાંધાજનક સંરક્ષણ સોદા કરાયા હતા, પરંતુ અમે ક્યારેય તેઓ પર રાજદ્રોહનો આરોપ નહોતો મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના આક્ષેપ પાયાવિહોણા અને બેજવાબદાર છે. રાહુલ વિદેશી કંપનીઓ માટે લોબિંગ કરનારી વ્યક્તિ તરીકે કામ કરે છે. રાહુલ ગાંધીએ આપણા પ્રામાણિક વડા પ્રધાન પર પાયાવિહોણા આરોપ મૂકીને પોતાના
પર જ કાદવ ઉછાળ્યો છે. સોદાની આગોતરી જાણકારી અંબાણીને અપાઇ હતી
રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં સંબંધિત ઇ-મેલનું લખાણ વાંચતા જણાવ્યું હતું કે નઅનિલ અંબાણીએ સંરક્ષણપ્રધાનની ઑફિસની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે હું વ્યાપારી ધોરણે એએચ (ઍરબસ હેલિકોપ્ટર્સ)ની સાથે કામ કરવા માગું છું. તેમણે જણાવ્યું હતું કે અનિલ અંબાણીને વડા પ્રધાનની (ફ્રાંસની) મુલાકાત વખતે જે સમજૂતી કરાર પર સહીસિક્કા થવાના હતા તેની અગાઉથી જ જાણકારી હતી. આનો અર્થ એવો થાય કે નરેન્દ્ર મોદીએ આ સંરક્ષણ સોદાની જાણકારી અનિલ અંબાણીને પહેલેથી જ આપીને રાષ્ટ્રીય સલામતી સાથે રમત રમી હતી. વડા પ્રધાને જાસૂસ જેવું કામ કર્યું હતું. મોદીએ અન્ય વ્યક્તિ (અનિલ અંબાણી)ને આ સોદાની માહિતી અગાઉથી જ આપી દીધી હતી.
કેગ તો ચોકીદાર ઓડીટર જનરલ
કોંગ્રેસના પ્રમુખે રાફેલ યુદ્ધવિમાનોના સોદાને લગતા ક્ધટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કેગ)ના અહેવાલને નકારી કાઢ્યો હતો અને તેને ચોકીદાર ઑડિટર જનરલ તરીકે ઓળખાવ્યું હતું.