ચોકીદાર કોઈથી ડરશે નહીં: મોદી

 "ભ્રષ્ટાચારી લોકોને જ મોદી સામે વાંધો છે
કુરૂક્ષેત્ર તા.13
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અહીં જણાવ્યું હતું કે, દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા સરકાર તેની ઝુંબેશને વેગવાન બનાવશે. અમુક લોકોને તેમની સામે પ્રોબ્લેમ છે. પ્રામાણિક લોકોને ચોકીદાર મોદીમાં વિશ્ર્વાસ છે. "નસ્વચ્છ શક્તિ - 2017 વિષયક કાર્યક્રમને સંબોધતા તેમણે લોકોના ટેકાની અપેક્ષા રાખી છે. આ વર્ષના બે ઓકટોબર સુધીમાં દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકાને તેમણે બિરદાવી છે.
2014માં તમે પ્રામાણિક અને પારદર્શક સરકાર માટે મત આપ્યો હતો. ગરીબોના હક છીનવી લેતા લોકોને સિસ્ટમમાંથી દૂર કર્યા છે. દેશમાં જે ભ્રષ્ટાચારી છે તેઓને મોદી સામે વાંધો છે, જયારે પ્રમાણિક વ્યક્તિને ચોકીદારમાં વિશ્ર્વાસ છે. હરિયાણાની અમુક વ્યક્તિઓ એજન્સીઓની તપાસના કારણે ચિંતામાં મુકાઈ છે. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડા તથા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની જમીન સોદામાં ગેરરીતિ માટે તપાસ થઈ રહી છે. વિપક્ષોના મહાગઠબંધનને મહામિલાવટ દર્શાવીને ઠેકડી ઉડાવી હતી. તમામ મોદીને ધમકાવીને ગાળ આપી રહ્યા છે. મહામિલાવટના તમામ ચહેરા તપાસ એજન્સીને પણ ધમકાવી રહ્યા છે. તેમણે જનતાને ખાતરી આપતા કહ્યું હતું કે ચોકીદાર કોઈથી ડરશે નહીં અને ભ્રષ્ટાચાર સામેની લડત ચાલુ રાખશે.
દેશને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા સરકારની સફાઈ ઝુંબેશને વેગીલી બનાવાશે. તમારા આશીર્વાદની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું. રાજયમાં છ વિકાસલક્ષી પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી હતી, જેમાં નેશનલ કેન્સર ઈન્સ્ટિટયૂટ અને શ્રીકૃષ્ણ આયુષ યુનિવર્સિટીનો સમાવેશ છે.