રાજકોટ જિલ્લા જેલ પાસે યુવાન પર મોડી રાત્રે ફાયરિંગ થતા પોલીસમાં દોડધામ

 ઘટનાસ્થળે ભડાકા થયા હોવાના કોઈ પુરાવા નહીં મળતા પોલીસ મૂંઝવણમાં
રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળીને ખાડે ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગત મોડી રાત્રે જેલ પાસે એક યુવાન ઉપર લાલા નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાની કંટ્રોલમાં જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો પરંતુ ભડાકા થયા હોય તેવા કોઈ પુરાવા નહિ મળતા પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.
રાજકોટ જિલ્લા જેલ પાસે મોડી રાત્રે એકાદ વાગ્યાના સુમારે ધવલ નામના યુવાન ઉપર લાલા નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવા અંગે ધવલે પોતે કંટ્રોલમાં જાણ કરતા પ્રનગર પીઆઇ બી એમ કાતરીયા, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી ધવલ નામના શખ્સના જણાવ્યા મુજબ ઘટનાસ્થળની તપાસ કરતા પોતે જે સ્થળ દર્શાવ્યું છે ત્યાં કોઈપણ પ્રકારનું ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા કે ફૂટેલી કારતુસ મળી આવી ન હતી તેવું પીઆઇ કાતરીયાએ જણાવ્યું હતું જેથી ભોગ બનનાર ધવલ સાચું બોલે છે કે કેમ તે જાણવા અને ફાયરિંગ કરનાર લાલો કોણ તે સહિતના ઉભા થયેલા પ્રશ્ર્નો અંગે પોલીસે જેલ પાસે લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી છે રાજકોટમાં રાત્રીના સમયે વધુ એક ફાયરીગની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી છે.