બાળલગ્નમાં ગાંધીનગર દેશમાં બીજા ક્રમે!

અમદાવાદ તા.13
પ્રતિબંધીત બાળલગ્નની બાબતોમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર જીલ્લો દેશ લેવલે બીજા ક્રમે હોવાનું સતાવાર આંકડામાં જાહેર થયું છે. બાળલગ્નોને અટકાવવા માટે અધિકારીઓની મોટી ફોજ કાર્યરત હોવા છતા બાળલગ્નોમાં રાજ્યનું પાટનગર દેશમાં બીજા ક્રમે હોવાનું જણાવાયું છે.બાળ લગ્નોની બાબતમાં એક સમયે રાજસ્થાનનો નંબર વન હતો પરંતુ હવે પશ્ચિમ બંગાળ બાળલગ્નોની બાબતમાં નંબર વન બની ચૂક્યું છે એવું એક સર્વેમાં જાણવા મળ્યું હતું.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16ની પ્રગટ થયેલી વિગતોમાં જણાવવામાં આવ્યું હતું કે સગીર વયની બાલિકાઓનાં લગ્નની બાબતમાં હવે પહેલો નંબર મમતા બેનરજીના પશ્ચિમ બંગાળનો છે. અગાઉ રાજસ્થાનનો પહેલો નંબર હતો. આ રિપોર્ટમાં જણાવાયા મુજબ 2005-06 સુધી બાળ લગ્નના મુદ્દે પહેલો નંબર બિહારનો, બીજો ઝારખંડનો અને ત્રીજો રાજસ્થાનનો હતો. સમયના વીતવા સાથે રાજસ્થાન પહેલા ક્રમે બિરાજમાન થયું હતું અને 2013-14 પછી એ સ્થાન પશ્ચિમ બંગાળે લીધું હતું. જિલ્લાવાર આંકડા જોઇએ તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આશરે 40 ટકા બાળલગ્નો થઇ રહ્યા છે. બીજા ક્રમે ગુજરાતનો ગાંધીનગર જિલ્લો છે જ્યાં 39.3 ટકા બાળલગ્નો થાય છે અને ત્રીજા ક્રમે રાજસ્થાનનો ભીલવાડા જિલ્લો છે જ્યાં 36.4 ટકા બાળલગ્નો થાય છે. બિહારના વીસ ટકા જિલ્લામાં બાળલગ્નો આજે પણ હિટ ગણાય છે. પશ્ચિમ બંગાળમાં 14 જિલ્લા અને ઝારખંડના 11 જિલ્લામાં આજે પણ છૂટથી બાળલગ્નો થાય છે.