રિઝર્વ VVPATનું પણ થશે GPSથી ટ્રેકિંગ

 આકસ્મિક સંજોગોમાં ઉપયોગમાં લેવાનાર 6000થી વધારે વીવીપેટ પર નજર રાખવા લોકસભા ચૂંટણીમાં અલાયદો કંટ્રોલરૂમ બનાવવામાં આવશે
ગાંધીનગર તા,13
લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતના મુખ્ય ચૂંટણી આયોગે અકસ્મિક સંજોગોમાં મતદાનના દિવસે છેલ્લી ઘડીએ બદલવા માટે રિર્ઝવ રાખવામાં આવતા ઈવીએમ અને વીવીપેટને પણ જીપીએસ સિસ્ટમ હેઠળ આવરી લેવા રાજ્ય ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યો છે.
ગત વર્ષે મધ્યપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં હોટલ અને ઘરમાંથી ઈવીએમ મળ્યા હતા. તે પહેલા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ નર્મદા અને વડોદરામાં ઈવીએમ રસ્તા પરથી મળી આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં તેનું પુનરાવર્તન અટકે ઉદ્દેશ્યથી ચૂંટણી આયોગે જારી રહેલા નવા દિશાનિર્દેશોમાં 15 ફેબ્રુઆરી સુધીમાં મતદાન માટે ફાળવેલા અને છેલ્લી ઘડીએ રિપ્લેસ થતા ઈવીએમ અને વીવીપેટને પણ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હેઠળ આવરી લઈ તેના માટે અલાયદો કંટ્રોલરૂમ ઉભો કરવા કહેવાયુ છે. ગુજરાત સ્થિત ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં 62,000થી વધુ ઈવીએમ અને વીવીપેટ યુનિટ ઉપયોગમાં લેવાશે. અગાઉની સુચના અને વ્યવસ્થાઓ મુજબ જે યુનિટ બુથમાં મતદાન માટે જાય છે તેનું પહેલાથી જ જીપીએસ ટ્રેકિંગ થાય છે. પરંતુ, મતદાનના દિવસે વોટિંગ શરૂ થાય ત્યારે અને તે દરમિયાન ઈવીએમ અને વીવીપેટ ખોટવાય ત્યારે તેના રિપ્લેસ માટે સર્કલ ઓફિસરો પાસે રિઝર્વ રહેતા યુનિટ અત્યાર સુધી ટ્રેકિંગ સિસ્ટમ હેઠળ નહોતા. ગુજરાતમાં રિપ્લેસ માટે 6000થી વધુ ઈવીએમ રહેશે. જે સર્કલ ઓફિસરો પાસે જીપમાં રહેતા હોય છે. તેમને પણ હવે ટ્રેકિંગ હેઠળ આવરી લેવાશે. જેથી મતદાનના દિવસે રિર્ઝવ યુનિટ ક્યાં છે તે તત્કાળ જાણી શકાશે.