હાર્વર્ડનાં વિદ્યાર્થીઓને લેક્ચર આપશે ‘કચ્છી માડું’

 ગુજરાતી ફિલ્મ નિર્માતા ડો. જયંતીલાલ ગડાને લેકચર માટે નિમંત્રણ: બરાક ઓબામા, ઝુકરબર્ગ, બિલ ગેટસ જેવાં ભણ્યા તે યુનિમાં સંબોધન કરવાનું બહુમાન
મુંબઈ તા.13
વિશ્ર્વભરમાં પોતાની શૈક્ષણિક ગુણવત્તા માટે ઉન્નત શિખર સર કરનારી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ ગુજરાતી ફિલ્મ નિર્માતા ડો. જયંતીલાલ ગડાને પોતાના વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ અનોખી સિદ્ધિ બદલ જયંતીભાઈએ નમુંબઈ સમાચારથને જણાવ્યું હતું કે, આ સન્માન બદલ હું ખુશ છું, પણ વધુ આનંદ એ બાબતોનો છે કે મારા જીવનમાંથી ભાવિ પેઢીને કંઇક પ્રેરણા મળી શકશે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી દુનિયાને અનેક અગ્રણી નેતાઓ અને સમાજમાં ઊંચું સ્થાન મેળવનારા લોકો મળ્યા છે. આ યુનિવર્સિટીમાં સ્નાતકોમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ, હોલીવૂડની અભિનેત્રી નતાલિયા પોર્ટમેન, અમેરિકાના બિઝનેસમેન બિલ ગેટ્સ, નોબેલ પ્રાઈઝ મેળવનારા 48 મહાનુભાવો, 72 દેશના વડાઓ, પુલીત્ઝર ઈનામ મેળવનારા 48 વિજેતાઓનો સમાવેશ થાય છે. ઘાટકોપરમાં આવેલી ગુરુકુળ હાઈસ્કૂલમાં એસએસસી સુધીનો અભ્યાસ કરનારા ગુજરાતી છોકરાને હાર્વર્ડમાં લેકચર આપવાનું બહુમાન મળે એનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે. ડો. જયંતીલાલ ગડાને મળેલું આ બહુમાન એ ગુજરાતીઓનું બહુમાન છે. એમની પેન (પોપ્યુલર એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક) એ ભારતની અગ્રણી નિર્માણ સંસ્થા છે. હાર્વર્ડમાં આવેલી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ અને હાર્વર્ડ કેનેડી સ્કૂલ દ્વારા આ કોન્ફરન્સનું આયોજન દર વર્ષે થાય છે. આ વર્ષની થીમ નઈન્ડિયા એટ એન ઈન્ફલેકશન પોઈન્ટથ છે. 16મી અને 17મી ફેબ્રુઆરીએ વીકએન્ડમાં યોજાનારી આ કોન્ફરન્સ એ વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી કોન્ફરન્સની 16મી એડિશન છે. ડો. જયંતીલાલ ગડાએ મનોરંજનના ક્ષેત્રે ખૂબ જ લાંબી મજલ કાપી છે. કુર્લામાં પિતાની એક નાનકડી અનાજની દુકાનથી શરૂઆત કરનારા ડો. ગડાએ મનોરંજન ક્ષેત્રમાં વીડિયો લાયબ્રેરીથી શરૂઆત કરી હતી અને અત્યારે તેઓ દેશની નંબર વન સોફ્ટવેર ફિલ્મ લાયબ્રેરી ધરાવે છે.
એકેડેમી ઑફ યુનિવર્સિટી ગ્લોબલ પીસ દ્વારા તેમને 2018માં ડોકટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને તેમને ભારતમાંના એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કચ્છના લાકડિયામાં જન્મેલા એક સામાન્ય કચ્છી વેપારીથી લઈને મનોરંજનની દુનિયામાં છવાઈ જનારા ડો. જયંતીલાલ ગડાને હાર્વર્ડ યુનિવર્સિટી તરફથી એક વક્તા તરીકે અપાયેલું આમંત્રણ તેમની અનેક સફળતાઓની યશકલગીમાં વધુ
એકનો ઉમેરો કરે છે.