50 દી’માં 17,771 કરોડ વસૂલવા ITની રાજ્યવ્યાપી ધોંસ?

 રાજકોટ ઈન્કમટેક્સ તંત્રે ત્રણ મહિનામાં 1700 કરોડની વસૂલાત કરી: બાકીદાર કરદાતાઓની યાદી તૈયાર કરતું તંત્ર: સર્ચ, સર્વે અને રિકવરીની કવાયત
રાજકોટ તા.13
રાજકોટ સહિત રાજ્યભરના ઈન્કમટેક્ષ તંત્રને ચાલુ વર્ષે આપવામાં આવેલ ટાર્ગેટમાં 17,771 કરોડની ઘટ વર્તાઈ રહી છે. આ તોતિંગ ગાબડુ બુરવા માટે આગામી પોણા બે મહિના સુધી ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સામુહિક દરોડાની કવાયત હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં 1700 કરોડની વસુલાત કરી છે. હવે ઈન્કમટેક્ષ તંત્ર પાસે માત્ર 50 દિવસનો સમય છે. ટાર્ગેટ પુરો કરવા માટે હવે સર્ચ, સર્વે અને રિકવરી માટે મોટા કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સંભવિત એકાદ સપ્તાહ બાદ ઝુંબેશના સ્વરૂપમાં વ્યાપક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાંથી ઈન્કમટેકસ વિભાગને ચાલુ નાણાકીય વર્ષ 2019-19ના માટે રૂા.55.571 કરોડની વસુલાતનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે ઈન્કમટેક્સના ઉચ્ચ અધિકારીઓ આયોજન કરી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેકટર ટેકિસસ (સીબીડીટી)એ 2017-18ની વસુલાત રૂા.46.700 કરોડ થઈ હતી. જેની સામે 14.7 ટકાની વધુ વસૂલાત કરવા સાથે લક્ષ્યાંક રૂા.55.571 કરોડ આપવામાં આવ્યો છે.
બીજી તરફ રૂા.37.800 કરોડની વસુલાત અત્યાર સુધીમાં થઈ છે. આમ 50 દિવસમાં જ હવે રાજ્યમાંથી વધુ રૂા.17.771 કરોડની વસુલાત કરવી પડશે. લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે તંત્ર દ્વારા સર્ચ સર્વે અને રિકવરી ઉપર વધુ ભાર મુકવામાં આવશે. અત્યાર સુધીમાં જે રીતે વસુલાત જોવા મળી રહી છે તે નિર્દેશ કરે છે કે 9 ટકા ઉપરાંતની વસુલાત વૃધ્ધિ ગત વર્ષના આ સમય કરતા જોવા મળી રહી છે. જોકે તંત્રને લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે વધુ પાંચ ટકા માટે શામ, દામ, દંડ અને ભેદની નિતિ અપનાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યના ટોચના સત્તાધીશોએ કર વસુલાતની સમીક્ષા કરી હતી. જેમાં એવું ચિત્ર ઉપસ્યું હતું કે કેટલાક ઔદ્યોગિક સેકટરમાં વસૂલાત ગત વર્ષની તુલનાએ ઘટી છે. જેમાં કેટલાક મહત્વના ઉદ્યોગો દ્વારા ગુજરાતમાંથી કર ભરવાનું બંધ કરીને મહારાષ્ટ્ર કે અન્ય પ્રાંતમાં ભરવાનું શરુ કરાયું છે. સમગ્ર રાજ્યમાંથી રાજ્યમાં કર ભરનારા કોર્પોરેટ ટેક્સ પેપરોની સંખ્યા વધતા ઓછામાં ઓછા રૂા.1.000 કરોડની આવક ગુમાવવી પડી છે. ટૂંક સમયમાં દરોડાની કાર્યવાહી
કરચોરો ઉપર રાજ્યમાં ત્રાટકવા માટે તંત્ર સજ્જ બન્યુ છે. હાલમાં રાજ્યમાં બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, ડોકટરો, કોન્ટ્રાકટરો સહિતના વર્ગની માહિતી તંત્ર અપડેટ કરી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કયારેય તંત્ર દ્વારા કોઈ જ સર્ચ અને સરવેની કાર્યવાહી થઈ નથી ત્યાં પણ તંત્ર આ વખતે પહોંચશે તેમ જાણવા મળે છે.
જીએસટીમાંથી ડેટા મગાવાયો
તંત્ર દ્વારા વિવિધ સરકારી તંત્ર પાસેથી મળેલી માહિતીઓનું સંકલન કરાઈ રહ્યું છે. ડેટા માઈનિંગ ઉપર હાલમાં ભાર મુકાઈ રહ્યો છે. જીએસટી તંત્ર દ્વારા જે રીતે કરોડો રૂપિયાની ટેકસ ચોરી શોધવામાં આવી રહી છે. તેની માહિતીના આધારે પણ આગામી દિવસોમાં કરચોરો પાસેથી વસુલાત થશે તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. ત્રણ શહેરમાંથી 13 હજાર કરોડની વસૂલાત
ઈન્કમટેકસ વિભાગને વડોદરા, સુરત અને રાજકોટમાંથી કુલ રૂા.13.300 કરોડનો ટેકસ અત્યાર સુધીમાં મળ્યો હોવાનું બહાર આવ્યુ છે જ્યારે અમદાવાદમાંથી રૂા.25.000 કરોડ ઉપરાંતની વસુલાત થઈ છે. વડોદરામાંથી રૂા.6.400 કરોડ સુરતમાંથી રૂા.5.200 અને રાજકોટમાંથી રૂા.17.00 કરોડની વસુલાત થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.