વીજકંપનીની એક મહિનામાં 8 કરોડની લૂંટ!

 રાતોરાત ફ્યુઅલ સરચાર્જમાં 9 પૈસા વધુ ઉઘરાવી લીધા: ગેરકાયદે વસૂલાયેલ રકમ
ગ્રાહકોને બિલમાં મજરે આપવા જર્કમાં ફરિયાદ
રાજકોટ તા.13
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 55 લાખ મળી રાજ્યના દોઢ કરોડ વીજધારકો પાસેથી ચારે વીજકંપનીઓએ ફ્યુઅલ સરચાર્જના નામે એક જ મહિનામાં કરોડો રૂપિયાની ગેરકાયદે વસુલાત કરવામાં આવી છે. ગ્રાહકો ઉપર લાદવામાં આવેલ આ કરબોજને તાત્કાલીક હટાવવા જર્કમાં માંગણી કરવામાં આવી છે.
ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ્યના સરકારી વીજળી વાપરતા 1.40 કરોડ વીજગ્રાહકો પાસેથી ગત જાન્યુઆરી માસમાં રૂ.8 કરોડ વસૂલ્યા છે અને આ જ પદ્ધતિ ફેબ્રુઆરી-માર્ચના બિલોમાં ચાલુ રહેવાની શક્યતા છે, ત્યારે જર્કએ આ ખોટી વસુલાત ઉપર તત્કાળ અસરથી રોક લગાવવી જોઈએ અને વસૂલાયેલી રકમ બિલમાં નજરે આપવી જોઈએ તેવી રજૂઆત જર્ક સમક્ષ થઈ છે.
વર્ષ 2018-19ના ત્રીજા ક્વાર્ટર યાને ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ફ્યુઅલ સરચાર્જ યાને ફ્યૂઅલ એન્ડ પાવર પરચેઝ પ્રાઈસ એડ્જસ્ટમેન્ટ એફપીપીપીએ યુનિટ દીઠ રૂ.1.90 વસૂલવાનો હતો, પરંતુ ગ્રાહકોને અપાયેલા બિલોમાં રૂ.1.99 ચાર્જ થયો હતો,
જે 9 પૈસાનો વધારો વીજગ્રાહકો પાસેથી બીજા ક્વાર્ટરના બિલોમાં વસૂલી લેવાયો હતો. આમ યુનિટ દીઠ 9 પૈસાનું નવું માગણું 1.40 કરોડ ગ્રાહકો પાસેથી ખોટી રીતે ઊભું કરાયું છે.
સરકારી ચાર વીજ કંપનીઓ મહિને સરેરાશ 80 હજાર લાખ યુનિટના વપરાશના બિલો જનરેટ કરે છે, એટલે પ્રતિમાસ 9 પૈસા લેખે આશરે રૂ.25 કરોડ ત્રણ મહિનામાં વસુલાશે. જે પૈકી જાન્યુઆરીના 8 કરોડ વસૂલી લેવાયા છે, તેથી ખોટી રીતે વસૂલાયેલી રકમ જે તે ગ્રાહકોને બિલમાં મજરે આપવી જોઈએ અને ફેબ્રુઆરી-માર્ચની સંભવિત વસુલાત બંધ કરાવવી જોઈએ તેવી રજૂઆત વીજ નિષ્ણાત કે.કે.બજાજે જર્કના ચેરમેનને પત્ર લખી કરી છે.