દિલ્હીમાં મહા ગઠબંધનનો ‘મહાકુંભ’

  • દિલ્હીમાં મહા ગઠબંધનનો ‘મહાકુંભ’

 જંતર-મંતર પર આમ આદમી પાર્ટી આયોજિત રેલીમાં મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ, ફારૂક અબ્દુલ્લા, દેવગૌડા, શરદ યાદવ સહિતનાં નેતા જોડાયા: રાહુલનું સસ્પેન્સ
નવીદિલ્હી તા.13
લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ વિરુદ્ધ એક વધુ મહારેલીમાં વિપક્ષી નેતા આજે જંતર મંતર પર ભેગા થયા છે અને વિભિન્ન મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરશે. રેલીનું આયોજન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી કરી રહી છે. પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ભગવા પક્ષને લઈને ખુબ આક્રમક છે. ‘આપ’ના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે જણાવ્યું કે રેલીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ફારુક અબ્દુલ્લા, અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ યાદવ રેલીમાં જોડાયા છે. તેમણે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોક દળ અને
અન્ય પાર્ટીઓના નેતા પણ મહારેલીને સંબોધશે. તેમને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રેલીમાં ભાગ લેશે તો દિલ્હી સરકારના મંત્રી રાયે કહ્યું કે તેમને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. રાયે જણાવ્યું કે પાર્ટીએ તે તમામ વિપક્ષી નેતાઓને નિમંત્રણ મોકલ્યું છે જે ગત મહિને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી તરફથી આયોજિત કરાયેલી ભાજપ વિરોધી રેલીમાં આવ્યાં હતાં.
સૂત્રોએ જણાવ્યું કે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ રેલી ભાજપ અને તેના નેતૃત્વવાળા એનડીએના સહયોગીઓને પડકારવા માટે મહાગઠબંધન બનાવવા માટે વિપક્ષી નેતાઓને એક સાથે લાવશે. મોદી કરી રહ્યા છે બદલાની રાજનીતિ: મમતા
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઇકાલે કહ્યું હતું કે ઈડી દ્વારા કથિત જમીન કૌભાંડની તપાસના મામલે રોબર્ટ વાડ્રા અને તેમની માતા મૌરીનને તલબ કરવા એ લોકસભા ચૂંટણી અગાઉની બદલાની રાજનીતિ છે. બેનર્જી આમ આદમી પાર્ટી દ્વારા 13મી ફેબ્રુઆરીના રોજ બિનભાજપ એટલે કે ત્રીજા મોરચાની મહારેલીમાં ભાગ લેવા માટે દિલ્હી આવી રહ્યાં છે. દિલ્હી જતા હતાં તે દરમિયાન કોલકાતા એરપોર્ટ પર તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ (ભાજપ) આવું બધે કરી રહ્યાં છે. આ (ઈડીની પૂછપરછ) બીજુ કઈ નહીં પરંતુ લોકસભા ચૂંટણી પહેલા બદલાની રાજનીતિ છે. નરેન્દ્ર મોદીને ખબર છે કે તેઓ આ ચૂંટણી બાદ સત્તામાં પાછા ફરશે નહીં. વાડ્રા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જમાઈ પણ છે. તેઓ રાજસ્થાનના બીકાનેરમાં એક કથિત જમીન કૌભાંડ મામલે જયપુરમાં માતા સાથે ઈડી સામે હાજર થયા હતાં.