1 જિન્સનું પેન્ટ પી જાય છે 5000 લિટર પાણી

ન્યૂયોર્ક તા,13
વધતી જતી ફેશનના કારણે 1980ની સરખામણીમાં વિશ્વમાં 400 ગણા કપડા ખરીદાય છે. એક પેન્ટના માપનું જીન્સ કાપડ બનાવવામાં વિવિધ તબક્કે કુલ 5 હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. જીન્સ ધોવા કે ડ્રાયકલીન કરવામાં એક બલ્બ એક હજાર કલાક સુધી ચાલે તેટલી વીજળી વપરાય છે.
અમેરિકામાં દર વર્ષે 45 કરોડ જિન્સનું વેચાણ થાય છે. કેનેડાના સીબીસી ન્યૂઝના જણાવ્યા મુજબ વિશ્વના હવાઇ જહાજ,પાણીના જહાજ ભેગા થઇને જેટલો ગ્રીન હાઉસ પેદા કરે છે તેનાથી વધારે ગ્રીન હાઉસ કપડાની બનાવટના કારણે ફેલાય છે. અમેરિકા જેવા વિકસિત દેશનો સરેરાશ નાગરીક વર્ષમાં 70 જેટલા કપડા ખરીદે છે. આ હિસાબે એક વ્યકિત સરેરાશ પાંચ કે છથી વધારે સમય એક કપડા પહેરતો નથી. બદલાતી જતી ફાસ્ટ ફેશનના કારણે કપડાના ઝડપી ઉત્પાદનથી વધતા જતા પ્રદૂષણ સામે અમેરિકામાં પણ વિરોધ થવા લાગ્યો છે.
વિકસિત દેશો પણ પ્રદૂષણથી બચવા માટે વિકાસશીલ દેશોમાં જીન્સ ઉત્પાદન કરવા લાગ્યા છે.આથી બાંગ્લાદેશ,ભારત અને થાઇલેન્ડ જેવા દેશોમાં સસ્તી કિંમતના કપડાનું મેન્યુફેકચરિંગ કામ વધતું જાય છે.કપડાની બ્રાંડ કંપનીઓએ રિસાઇકલ માટે કપડા આપો અને નવા કપડાની ખરીદીમાં ડિસ્કાઉન્ટ મેળવો એવી ઓફરો પણ શરુ કરી છે. આ જુના કપડા રીસેલના નામે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોના માર્કેટમાં આવે છે. ફકત 1% કપડાનું જ રિસાઇકલિંગ
એક માહિતી મુજબ જો કે શુધ્ધ કોટન અને અન્ય કપડાની કારગત રિસાઇકલિંગ ટેકનિક વિકસાવી શકાઇ નથી. અત્યારે જે પણ કપડા બને છે તે વિવિધ પ્રકારના રેસાઓ ભેગા કરીને બનાવવામાં આવે છે .કોટન સાથે પોલિએસ્ટર, વિસ્કસ, રેયોન વગેરે અંદર વણવામાં આવેલા રેસાઓને છુટા પાડવા સહેલું કામ હોતું નથી. વિશ્વમાં વિવિધ કપડામાંથી માત્ર 1 ટકો જ રિસાઇકલ થાય છે. હાલમાં વિકસિત દેશોના જુના કપડાનો આફ્રિકા અને એશિયાના દેશોમાં ઢગલો થઇ રહયો છે. શિયાળાની સિઝનમાં જીરો ડિગ્રી તાપમાનમાં પહેરી શકાય તેવા સ્વેટર અને ડગલા વિદેશથી ડમ્પ થયેલા હોય છે. આથી નકામા અને ફાટેલા કપડાથી નાળા અને નહેરો ભરેલી જોવા મળે છે.