ઓસિ. સામેની શ્રેણી માટે શુક્રવારે થશે ટીમની પસંદગી

કોહલી પરત ફરતો હોવાથી રોહિતને આરામ અપાશે, કોઇ મોટા ફેરફારની શકયતા ઓછી
નવી દિલ્હી તા.13
પ્રવાસી ઑસ્ટ્રેલિયા સામે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચની આગામી શ્રેણી માટે મુંબઈમાં 15મી ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય સિલેક્ટરોની બેઠકમાં ભારતની ટીમમાં કોઈ નવી અજમાયશ થવાની શક્યતા નથી.
એક દિવસીય શ્રેણીની પાંચ મેચ હૈદરાબાદ (બીજી માર્ચ), નાગપુર (પાંચમી માર્ચ), રાંચી (8મી માર્ચ), મોહાલી (10મી માર્ચ) અને દિલ્હી (13મી માર્ચ) ખાતે રમાનાર છે. વિશાખાપટ્ટનમ (25મી ફેબ્રુઆરી) અને બેંગલુરુ (27મી ફેબ્રુઆરી)એ રમાનાર બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની ટીમ પણ એ જ દિવસે જાહેર કરાશે. ભારતીય ટીમના સત્તાવાળાઓ અને પસંદગી સમિતિના સભ્યો એકમત છે અને ઑસ્ટ્રેલિયા સામેની મેચોમાં ભાગ લેનારા ખેલાડીઓમાંથી બ્રિટનમાં રમાનારા આગામી વર્લ્ડ કપ માટેની ટીમમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવશે નહીં અને આ કારણે પંદરના બદલે 16 ખેલાડીઓની પસંદગી થવાની સંભાવના છે. વિરાટ કોહલી ટીમમાં પાછો ફરનાર હોવાથી રોહિત શર્માને આરામ અપાવાની શક્યતા છે, પણ વન-ડે મેચો માટે ખેલાડીઓની પસંદગીમાં પાંચ મેચ માટે કોઈ નવો પ્રયોગ કરવામાં નહીં આવે, એમ બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું.ટીમમાં અત્યારે ફક્ત બે સ્થાન ખુલ્લા છે જેમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક અને
રિષભ પંત વચ્ચે હરીફાઈ છે તથા ત્રીજા ઓપનરનું સ્થાન પણ ખાલી રહે છે.
એમ પણ જાણવા મળ્યું હતું કે શિખર ધવનને પહેલી બે વન-ડે મેચમાંથી આરામ અપાશે.
હુમરાહ (જસપ્રીત), ભુવનેશ્ર્વર (કુમાર) અને શમી (મોહંમદ) બધા ફિટ અને પસંદગી માટે ખલીલ અહમદ જોડે ઉપલબ્ધ છે.