ધારાસભ્યો સામે સંપત્તિની તપાસ અભેરાઇએ

બોલો ! ચૂંટણીપંચે પણ માની
લીધું કે, ધારાસભ્યોએ જાહેર
કરેલી સંપત્તિ બરાબર છે !!
રાજકોટ તા.18 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને ધારાસભ્યોએ પ્રમાણિકતાના સોગંદ લીધા, તેને એક વર્ષ પૂરું થયું છે. ગુજરાતના 182 ધારાસભ્યોએ તે સમયે પોતાની સંપત્તિ સોગંદનામા પર જાહેર કરી હતી. તે હકીકતો ખરી છે કે કેમ તે અંગે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી કે વિધાનસભાએ તેની ખરાઈ કરી નથી. ચૂંટણી પંચે પણ માની લીધું છે કે ધારાસભ્યએ જાહેર કરેલી સંપત્તિ બરાબર છે, તેથી તેમણે પણ કોઈ તપાસ કરી નથી પણ હકીકત એ છે કે, ગુજરાત સરકારના વન પ્રધાન ગણપત વસાવા સામે વધુ સંપત્તિ હોવાની ફરિયાદ થઈ છે, તેમ છતાં તે અંગે આજ સુધી કોઈ તપાસ થઈ નથી. વળી ભાજપના એક પ્રધાનની 72 જેટલી સંપત્તિ વિદેશમાં છે છતાં તેમણે સોગંદનામામાં તે અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. આમ જે ધારાસભ્યોએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી, તે ખરેખર સાચી છે કે નહીં તે અંગે કોઈ તપાસ થઈ નથી. ગુજરાતની 2012ની ચૂંટણી વખતે ધારાસભ્યો પાસે જે સંપત્તિ હતી, તે 2017ની ચૂંટણીમાં તેમાં જંગી વધારો થયો છે. ભાજપમાં 80 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને કોંગ્રેસના 73 ટકા કરોડપતિ છે. ગરીબ ઉમેદવારો હવે પક્ષને પસંદ નથી. સત્તા અને સંપત્તિ માટેની ચૂંટણી બની ગઈ છે પણ પ્રજાની હાડમારી વધી છે. લોકો આર્થિક રીતે કંગાળ બન્યા છે. કયા પક્ષના કેટલા ધારાસભ્યો પાસે સંપત્તિ કેટલી છે? 141 (77 ટકા) ધારાસભ્યો કરોડપતિ
182 નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 141 (77 ટકા) ધારાસભ્યો કરોડપતિ છે. 2012માં ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં 182 ધારાસભ્યોમાંથી 134 (74%) ધારાસભ્યો કરોડપતિ હતા. ભાજપના 99 ધારાસભ્યોમાંથી 84 (85%), કોંગ્રેસના 77 ધારાસભ્યો પૈકી 54 (70%), ભારતીય આદિજાતિ પક્ષના 2 (100%) ધારાસભ્યો અને એન. સી.પી.ના 1 (100%) ધારાસભ્યોએ રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. ગરીબ ધારાસભ્ય કોઈ નથી. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ વિધાનસભા દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 8.46 કરોડ, 2012મા, સરેરાશ અસ્કયામતના વિશ્લેષકોનું મૂલ્યાંકન રૂ. 8.03 કરોડ હતું. તે પ્રમાણે ધારાસભ્યો વધુ ધનવાન થયા છે. ભાજપના 100 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 10.64 કરોડ, કોંગ્રેસના 76 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 5.85 કરોડ છે. 2 ભારતીય આદિજાતિ પક્ષના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 2.71 કરોડ અને 3 સ્વતંત્ર ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 53.86 લાખ છે.
10 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા 56 ધારાસભ્યો
182 ધારાસભ્યોની સંપત્તિનો મામલો પણ નવાઈ પમાડે તેવો છે. 47 ટકા ધારાસભ્ય કરોડપતિ છે. રૂ. 20 લાખની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 4 છે. રૂ. 20 લાખથી 1 કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 37 છે. 1 કરોડથી 5 કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 85 છે. 5 કરોડથી 10 કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 23 અને 10 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 33 છે.
ભાજપના 84, કોંગ્રેસના 54 ધારાસભ્યો કરોડપતિ
ગુજરાતના 182માંથી 141 ધારાસભ્યો કરોડપતિ છે. 77 ટકા ધારાસભ્યોએ સોગંદનામું રજૂ કરી પોતે કરોડપતિ હોવાના પ્રમાણ આપ્યા છે. કરોડપતિ ધારાસભ્યોની યાદીમાં ભાજપના 99માંથી 84, કોંગ્રેસના 77માંથી 54, ભારતીય ટ્રાયબલ પાર્ટીના 2, એન.સી.પીના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ આંકડો માત્ર ગુજરાતનો જ છે પરંતુ સમગ્ર દેશના ધારાસભ્યોના આંકડાની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે. પ્રધાનોના ગુના કે સંપત્તિ સામે તપાસ નહીં
40% મંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જ્યારે 84% મંત્રીઓ(21) કરોડપતિ છે. 25માંથી 10 (40%) મંત્રીઓ સામે ફોજદારી કેસ થયેલા છે. તેમાંથી 5 મંત્રીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ધાડ જેવા ગંભીર ફોજદારી કેસ થયેલા છે. 25માંથી 21 કરોડપતિ છે. 25 મંત્રીઓની એવરેજ એસેટ 7.81 કરોડ છે. એકપણ ‘ગરીબ’ ઉમેદવાર જીત્યા નહીં
આંકડા ઉપરથી જાણવા મળે છે કે ઉમેદવાર ધનવાન હોય એટલી તેની જીતવાની સંભાવના વધી જાય છે, એવું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસનો રિપોર્ટ જણાવે છે. આ રિપોર્ટના આધારે જોઈએ તો જેઓ લાખોપતિ કે કરોડપતિ નથી તેમની જીતવાની શક્યતાઓ ઘટી ગઈ છે. ચૂંટણી લડવા માટે લઘુત્તમ સંપત્તિની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં આ વખતે 35 ઉમેદવારો દેવાદાર હતા જ્યારે 190 ઉમેદવારો એવા હતા જેમની સંપત્તિ રૂ. 1 લાખ કરતા ઓછી હતી. જો કે તેમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નથી.