પૂરતું પાણી, CCTV, માસ ટ્રાન્સપોર્ટ સહિતના વિકાસકામો: મનપાનું ગૌરવDecember 07, 2018

 ર019 થી ર03પ સુધીમાં વિશ્ર્વના શહેરોમાં વિકાસશીલ શહેરમાં રાજકોટને સમાવાતા આનંદ
રાજકોટ તા.7
મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક સયુંકત યાદીમાં જણાવે છે કે, તાજેતરમાં જ બ્રિટનની જગવિખ્યાત રીસર્ચ સંસ્થા ઓક્સફર્ડ ઈકોનોમિક્સે તેના અહેવાલમાં 2019થી 2035 સુધીમાં વિશ્વના શહેરોને કેવો વિકાસ થશે તેનો અહેવાલ રજુ કરેલ. વિશ્વના સૌથી વધુ ઝડપે વિકસતા પહેલાં દસ શહેરો ભારતના જ હશે. તેમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ છે. જેમાં સુરત પ્રથમ ક્રમે અને રાજકોટ સાતમાં ક્રમે બતાવવામાં આવેલ છે. જે ગૌરવની બાબત છે. રાજકોટ શહેરના આ સાર્વત્રિક વિકાસમાં રાજકોટના પનોતાપુત્ર અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સમગ્ર રાજ્ય સરકારનો સિંહ ફાળો રહેલ છે. રાજકોટ શહેરના જુદા જુદા પ્રોજક્ટ માટે રાજ્ય સરકારે ઉદાર હાથે સહાય કરેલ છે.
રાજકોટ શહેરમાં વસ્તી તેમજ વિસ્તારમાં ખુબ જ વધારો થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની આજુબાજુ વિકાસ થતા રાજકોટ મહાનગરપાલિકાએ 1998માં રૈયા, નાના મૌવા, અને મવડી વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ તાજેતરમાં રાજકોટ શહેર લાગુ કોઠારિયા, મવડી વિસ્તારને પણ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરાયેલ છે. અગાઉ સમાવેશ કરાયેલ રૈયા, મવડી, નાના મૌવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જેવી કે રોડ રસ્તા, ડ્રેનેજ, પાણીની લાઈન, લાઈટ તમામ સુવિધાઓની સાથે અનેક પ્રોજેક્ટો પણ આપવામાં આવેલ છે. તાજેતરમાં જ ભળેલ મવડી, કોઠારિયામાં પણ તબક્કાવાર વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના પાણી પુરવઠા, ભૂર્ગભ ગટર યોજના રસ્તા સહિતના વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજના તળે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.
શહેરમાં રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા હલ કરવા ઓવરબ્રિજ, અન્ડરબ્રીજ શહેરમાં લોકોને પુરા ફોર્સથી અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે નવા ઈ.એસ.આર. જી.એસ.આર. ફિલ્ટર પ્લાન્ટ વિસ્તાર વાઈઝ, ઝોન વાઈઝ બનાવવામાં આવેલ છે. અને નવા ભળેલ વિસ્તાર કોઠારિયા વાવડી માટે પણ ઈ.એસ.આર. જી.એસ.આર. પમ્પીંગ સ્ટેશન બનાવવાની કામગીરી મંજુર કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરની સલામતી માટે સી.સી.ટી.વી. કેમેરા તેમજ જુદા જુદા વિસ્તારોમાં નાના મોટા 200 જેટલા બગીચાઓ, અદ્યતન ઝૂ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, માસ ટ્રાન્સપોર્ટની સુવિધા મળે તે માટે સિટી બસ સર્વિસ, કાર્બનના ઘટાડા માટે શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી. નાખવામાં આવેલ છે.
સોલાર સિસ્ટમનો પણ તબક્કાવાર પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. ટીપરવાન દ્વારા ડોર ટુ ડોર કચરો મેળવવામાં આવે છે અને શહેરને કચરાપેટી મુક્ત બનાવેલ છે. રમતવીરો માટે સ્પોર્ટસની સુવિધાઓનો પણ ખુબ જ વિકાસ કરેલ છે. આમ રાજકોટ શહેરનો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે દિશામાં મહાનગરપાલિકા કામ કરી રહી છે.