સામાન્ય વ્યક્તિને અભાવ ન થાય તેવો સાધુનો સ્વભાવ હોય છે...: પૂજ્ય નમ્રમુનિ મ.સા.

  • સામાન્ય વ્યક્તિને અભાવ ન થાય તેવો સાધુનો સ્વભાવ હોય છે...: પૂજ્ય નમ્રમુનિ મ.સા.
  • સામાન્ય વ્યક્તિને અભાવ ન થાય તેવો સાધુનો સ્વભાવ હોય છે...: પૂજ્ય નમ્રમુનિ મ.સા.
  • સામાન્ય વ્યક્તિને અભાવ ન થાય તેવો સાધુનો સ્વભાવ હોય છે...: પૂજ્ય નમ્રમુનિ મ.સા.
  • સામાન્ય વ્યક્તિને અભાવ ન થાય તેવો સાધુનો સ્વભાવ હોય છે...: પૂજ્ય નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા.7
દીક્ષા દાનેશ્ર્વરી રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ ચરણ-શરણમાં રાજકોટની બે દીકરીઓ મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન મનોજભાઈ
ડેલીવાળાના ભવ-ભવાંતરોનું કલ્યાણ કરાવી દેનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના અલૌકિક અવસરો અન્ય અનેક આત્માઓના કલ્યાણનું કારણ બની રહ્યો છે.
ભવ્યતા અને દિવ્યતાના પર્યાય સમા બની રહેલાં આ મહોત્સવના છઠ્ઠા દિવસે નિયુક્ત કરવામાં આવેલા શ્રી સંઘપતિ વર્ષાબેન રોહિતભાઈ રવાણી પરિવારે અત્યંત નમ્રભાવે અને શરણભાવે પૂજ્ય ગુરુ ભગવંતના સ્વાગત વધામણાં કર્યા હતાં. શ્રી સંઘપતિ પરિવારનું બહુમાન કરતાં એમને ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરવામાં આવ્યાં હતા. જેમના દર્શને ધન્ય બની રહ્યું છે રાજકોટ એવા ત્યાગમૂર્તિ દીક્ષાર્થી બહેનોને ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામાં હજારો હ્રદયના થનગનતા ધબકાર વચ્ચે સ્વજન-પરિવારજન દ્વારા ચંદ્રના રથ પર સવાર કરાવીને તેમજ દિવ્ય પાલખી પર સવાર કરાવીને અત્યંત દબદબા પૂર્વક પ્રવેશ વધામણાં કરાવવામાં આવતાં ઉપસ્થિત સહુ અંતરમાંથી ડોલી ઉઠ્યાં હતાં. શ્રી સંઘપતિ પરિવાર દ્વારા દીક્ષાર્થીઓના ભાલ પર કરવામાં આવેલા વિજય તિલકના શુભ શુકન બાદ આ અવસરે અત્યંત સંવેદનશીલ નાટિકા ‘કોપી રાઈટ’ની અદ્ભૂત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
વિશેષમાં આ અવસરે આયોજિત આત્મ રક્ષાબંધનના કાર્યક્રમ અંતર્ગત મુમુક્ષુ બહેનોએ પોતાના ભાઈઓની કલાઈ પર સંસાર જીવનનું અંતિમ રક્ષાબંધન કરીને સ્નેહભીના આત્મરક્ષાના કોલ આપ્યાં હતાં તો બીજી તરફ મુમુક્ષુઓના ભાઈઓએ પણ પોતાની વ્હાલી બહેનોને આંખમાં આંસુ સાથે સંયમ જીવનમાં નિર્વિઘ્નતાની શુભેચ્છા આપતી ભેટ આપીને વ્હાલથી ભીંજવી દીધી હતી.ભાઈ બહેનના પવિત્ર પ્રેમના આવા સંવેદનશીલ અને ભાવભીના દૃશ્યોએ જાણે ડુંગર દરબારના અણુ અણુને સ્પંદિત કરી દીધાં હોય એવી અદ્ભુતતા અને દિવ્યતા પથરાઈ ગઈ હતી.
ઉપરાંતમાં આ અવસરે જગતમાં પથરાયેલાં છ’કાય સ્વરૂપ જીવોના પરિવેશમાં સજ્જ થઈને બાળકોએ પ્રસ્તુત કરેલાં અભયદયાણંના કાર્યક્રમ અંતર્ગત, દીક્ષાર્થી બહેનો પાસે કરવામાં આવેલી અભયના દાનની યાચના બાદ મુમુક્ષુ બહેનોએ તે જીવોને કરેલા રક્ષાબંધન અને આપેલા જીવરક્ષાના વચનના દૃશ્ય જોઈને સહુ અત્યંત પણે અહોભાવિત બન્યા હતા. આ અવસરે આત્મ રક્ષાબંધન કરતાં કરતાં પોતાના ભાઈઓને આત્મસુરક્ષાનું ભાન કરાવતું મુમુક્ષુ બહેનોએ આપેલું વક્તવ્ય હજારોની આરપાર વીંધાયું હતું.
હજારો ભાવિકોને આ અવસરે મુમુક્ષતા અને સંયમ જીવનના વાસ્તવિક સ્વરૂપની સમજણ આપતા અત્યંત પ્રભાવક શૈલીમાં જણાવ્યું હતું કે, મુમુક્ષતા ક્યારેય દેવો પ્રદાન નથી કરતાં પરંતુ અંતરની સમજણ, અંતરના સંસ્કાર અને સ્વયંના સ્વભાવના પોલીશીંગથી પ્રગટ થતી હોય છે.
ખાણમાંથી નીકળેલા હીરાની માત્ર ઓળખ થઈ જવાથી હીરો ચમકી જાય એવું જરૂરી નથી હોતું પરંતુ હીરાને ચમકાવવા માટે સ્વયં ઘસાવું પડતું હોય છે. જિન શાસનમાં પ્રવેશ એટલે માત્ર ખાણમાંથી હીરાનુંં બહાર નીકળવું પરંતુ સંસારરૂપી ખાણમાંથી નીકળીને આત્માને ચમકાવવા માટે ઘણી મહેનત અને જહેમત કરવી પડતી હોય છે.આ અવસરે મુમુક્ષુ બહેનોના સંયમ જીવનને પુરુષાર્થથી ચમકાવવા માટેનો બોધ આપતા રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ કહ્યું હતું કે, દીક્ષા સમયે જયકાર કરતો આ સમાજ જીવનના અંત સુધી જયકાર કરતો રહે તે માટે સંયમીએ ક્ષણ ક્ષણ જાતનું જતન કરવું પડતું હોય છે. સામાન્ય વ્યક્તિને પણ કદી અભાવ ન થાય એવો સ્વભાવ જાળવવા દરેક સંયમીએ ક્ષણે ક્ષણે સાવધાન રહેવાનું હોય છે.   કાલે અંતિમ વિદાય: માતૃ-પિતૃવંદના અને કોળિયાવિધિ
મહોત્સવના સાતમા દિવસે એટલે કે મુમુક્ષુઓના સંસાર જીવનના અંતિમ દિવસે તારીખ 08.12.2018શનિવારે સવારે 09:00 કલાકે વિદાય સમારોહ તેમ જ માતૃ-પિતૃ વંદનાના સંવેદનાસભર કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સંયમના કલ્યાણ પંથ પર પ્રયાણ કરવા માટેની સહર્ષ અનુમતિ આપીને પરમ ઉપકાર કરનાર એવા મુમુક્ષુ બહેનોના માતા-પિતા પ્રત્યે ઉપકારની અભિવ્યક્તિ કરીને એમના ચરણપૂજન સાથે વંદના અને અભિવંદના અર્પણ કરશે. માતા-પિતા અને મુમુક્ષુ દીકરીઓ વચ્ચેના પ્રેમ અને સ્નેહના આદાન-પ્રદાન એ અદ્ભુત ક્ષણો બાદ આ અવસરે મુમુક્ષુ બહેનોને ભાવભીની વિદાય આપતો વિદાય સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સ્નેહી-સ્વજનો-પરિવારજનો, સંઘ અને સમાજની ભાવભીની વિદાય અને સંયમ જીવન માટેની શુભેચ્છાઓ પામ્યા બાદ મુમુક્ષુ બહેનોના શ્રીમુખેથી વિદાયના ભાવોની અભિવ્યક્તિનું શ્રવણ કરવાનો અનેરો લાભ આ અવસરે ભાવિકોને પ્રાપ્ત થશે. ચતુર્વિધ સંઘ, સ્વજન-પરિવાર અને હજારો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે રેલાતા મધુર ગીત-સંગીતના સૂરોની સાથે મુમુક્ષુઓને વિદાય આપ્યા બાદ બપોરના 03:00 કલાકે એટલે કે સંસાર જીવનની અંતિમ પૂર્વ સંધ્યાએ મહોત્સવનો અંતિમ કાર્યક્રમ કોળિયા વિધિનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.આજીવન ભિક્ષા કરીને જીવનનિર્વાહ કરવા નીકળી રહેલી વ્હાલી દીકરીને સ્વજનો દ્વારા અંતિમવાર પોતાના હાથે મિષ્ટ ભોજનના કોળિયા ખવડાવવામાં આવશે.