હવે ગંભીર બીમારીની 10 રૂપિયામાં સારવારDecember 07, 2018

દેશની 150થી વધુ હોસ્પિટલોની 17000થી વધુ બેડમાં હાલમાં સુવિધા ઉપલબ્ધ નવી દિલ્હી તા,7
સામાન્ય લોકોને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે મોદી સરકાર સતત મોટા નિર્ણયો લઇ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારે જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી હતી. હવે સરકારે એક નવું પગલું લીધું છે. જેના અંતર્ગત હવે સામાન્ય જનતાને પણ એમ્પ્લોયી સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ઈએસઆઈસીના હોસ્પિટલોમાં સારવાર કરાવાની પરવાનગી મળી ગઇ છે. એટલે કે હવે જ્યારે કોઇપણ વ્યક્તિ ઇએસઆઇસી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે છે. મહત્વની બાબત એ છે કે સારવાર માટે દર્દીએ ફક્ત 10 રૂપિયા જ ખર્ચ કરવા પડશે.
જો કે દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતીમાં કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય સેવા પેકેજ દરના 25 ટકા ચાર્જીસ તરીકે ચુકવવા પડશે. આ ઉપરાતં દર્દીઓને દવાઓ મૂળ કિંમતે ઉપલબ્ધ કરાવામાં આવશે. તેનાથી સામાન્ય લોકોને સસ્તા દરે ઉચ્ચ સ્તરીય સારવારની સુવિધા મળશે.
હાલ ઈએસઆઈસીના દેશભરમાં 150થી વધુ હોસ્પિટલ અને આશરે 17 હજાર બેડ છે. આ હોસ્પિટલોમાં સામાન્યથી લઇને ગંભીર બીમારીઓની સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
હજુ સુધી આ હોસ્પિટલોમાં ઇએસઆઇસીના કવરેજમાં સામેલ લોકોને જ સારવાર કરાવાની સુવિધા મળતી હતી પરંતુ હવે સરકારે તેને સામાન્ય લોકો માટે પણ ખુલ્લા મુક્યા છે. જણાવી દઇએ કે સપ્ટેમ્બર મહિનામાં મોદી સરકારે આયુષ્માન યોજનાની શરૂઆત કરી હતી.
આ યોજના હેઠળ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. તેમાં લગભગ તમામ બીમારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કયા પરિવારોનો સમાવેશ થાય છે તેનો નિર્ણય આર્થિક આધાર પર થાય છે.