મઢી ચોકના વેપારીઓએ પાળેલો બંધDecember 07, 2018

દૂકાનો સામે જ ટ્રાફિકજામથી ધંધા ચોપટ, પોલીસ કમિશનરને રજૂઆત
રાજકોટ તા.7
શહેરના રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક સિગ્નલ મુજબ સાઈડ આપવાનું શરૂ કરવામાં આવતા વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે દુકાનો સામે જ ટ્રાફિકજામ થતું હોવાથી વેપાર નહિ થતો હોવાની રાવ સાથે વેપારીઓ દ્વારા આજે બંધ પાડી પોલીસ કમિશ્નરને રજૂઆત કરતા નિરીક્ષણ કરી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
રૈયા રોડ ઉપર આવેલ હનુમાન મઢી ચોકમાં વેપાર કરતા વેપારીઓ દ્વારા આજે ધંધા રોજગાર બંધ રાખી પોલીસ કમિશ્નરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે ટ્રાફિક સિગ્નલ મુજબ ચાલુ થયેલી કાર્યવાહીને લીધે વેપારીઓને મુશ્કેલી પડતી હોવાથી સિગ્નલ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ફરીથી સિંગલ મુજબ વાહનોની અવરજવર શરૂં કરવામાં આવતા ફરીથી વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે વેપારીઓએ જણાવ્યું હતું કે સિગ્નલ પ્રમાણે અવરજવર ચાલુ કરાવી હોવાથી દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી રહી છે જે તમામ વાહનો દુકાનની સામે જ ઉભા હોવાથી ગ્રાહકો દુકાનમાં ખરીદી કરવા પણ આવી શકતા નથી જેથી ધંધામાં પણ નુકશાની જાય છે તેમજ બપોરે સાયકલ લઈને સ્કૂલે આવતા અને સાંજે ઘરે જતા વિદ્યાર્થીઓ પણ ફસાઈ જતા હોય છે આ ચોકમાં ક્યારેય સાઈડ સિગ્નલ મુજબ ટ્રાફિક વ્યવસ્થાની જરૂર પડી નથી ટ્રાફિક પોલીસ વિના પણ સુચારુ રીતે વાહનોની અવરજવર થતી હોય છે.
પરંતુ આ સાઈડ સિગ્નલ શરુ થતા જ ટ્રાફિક માથાના દુખાવારૂપ વધી ગયું છે જેથી ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલે અને સાઈડ આપવાની કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈને આ જગ્યાનું નિરીક્ષણ કરી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવતા વેપારીઓએ પણ રાહત અનુભવી હતી.