આરોગ્ય ચેરમેન અને અધિકારી વચ્ચે ગજગ્રાહ; કામગીરી ઠપ

  • આરોગ્ય ચેરમેન અને અધિકારી વચ્ચે ગજગ્રાહ; કામગીરી ઠપ

 મને પૂછયા વગર દરોડો નહી પાડવાના ચેરમેનના આદેશથી સર્જાયેલો વિવાદ
રાજકોટ તા. 7
રાજકોટ મહાનગરપાલીકામાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે અવાર-નવાર વિવાદો સર્જાતા હોય છે જેમાં વધુ એક ઉમેરો થયો હોવાની ચર્ચા જાગી છે આરોગ્ય અધિકારી અને આરોગ્ય ચેરમેન વચ્ચે તૂતૂ-મેમે થયા બાદ ચેરમેને મંજુરી વગર દરોડાની કાર્યવાહી નહી કરવાની સુચના આપતા અધિકારીઓ દ્વારા કામગીરી ઠપ્પ કરી દેવાઈ હોવાની ચર્ચાએ કોર્પોરેશનમાં જોર પકડયુ છે.
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરીની સાથોસાથ ફૂડ વિભાગ સાથે સંયુકત કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં હોટેલ રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરાતી હોય છે ગત માસે દિવાળીના તહેવાર ઉપર આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ તથા ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી એક-બે સ્થળેથી નમુના લેવામાં આવેલ આથી આ કામગીરી સંતોષજનક નહીં હોવાનું કારણ આગળ ધરી આરોગ્ય ચેરમેન ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓને ચેમ્બરમાં બોલાવી રીસતરના ખખડાવી નાખ્યા હતા તેમજ દરોડાની કામગીરી પહેલા મને જાણ કરવી અને મારી મંજુરી માંગવી તેઓ આદેશ આપતા અધિકારીઓમાં નારાજગી સાથે રોષ વ્યાપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આરોગ્ય ચેરમેન દ્વારા આરોગ્ય અધિકારીને ન કહેવાના શબ્દો કહેતા મોટો વિવાદ સર્જાયો હતો. ત્યારે પદાધકારીનું પલડુ ભારે રહેતા ઉપરોકત અધિકારીને ના છૂટકે બદલી કરાવી અમદાવાદ જતુ રહેવું પડેલ ત્યારે હાલની ઘટનામાં પણ આરોગ્ય ચેરમેન દ્વારા અધિકારીઓની કામગીરીમાં ખલેલ પહોચાઢતા હોવાનું બહાર આવ્યું છે. ‘નામ ન આપવાની’ શર્તે આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવેલ કે ‘હપ્તા’ લેવાની
બાબતમાં વિભાગનુ નામ અગાઉ પણ ખરડાયેલ છે. ત્યારે હાલના ચેરમેન દ્વારા આ બાબતે શંકાકરી ઘરના બનાવેલા નિયમા સમગ્ર વિભાગ ઉપર ધાબડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશનમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે. અમુક આખા બોલા લોકોના જણાવ્યા મુજબ દિવાળી દરમિયાન વેપારીઓ દ્વારા આપવામાં આવતી બોણીએ સમશ્યા ઉભી કરી છે હાલ અધિકારીઓ દ્વારા ચેરમેનને આદેશના પગલે કામગીરી ઠપ્પ કરી દીધી હોય લાગે રહ્યું છે તેમજ આ બાબતે મ્યુ.કમિશ્ર્નરને પણ જાણ કરવાની તૈયારીઓ થઈ ચુકી છે આથી આવનાર દિવસોમાં કંઈક નવા જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.