રાજકોટ બન્યું દેશનું ‘સૂસાઈડ કેપિટલ’December 07, 2018

રાજકોટ તા,7
વિશ્ર્વનાં સૌથી વિકસિત શહેરોમાં સ્થાન પામનાર રાજકોટમાં વિકાસની સાથે વિકાસની આડ અસરમાં પણ નંબર-1 છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલા આંકડાઓમાં દેશભરમાં રાજકોટ શહેર નંબર-1 પર રહ્યું છે. વર્ષ 2015ની સાલમાં દેશભરમાં સૌથી વધારે આપઘાત રાજકોટમાં થયા છે. એટલું જ નહી પરંતુ દેશમાં આપઘાત મામલે ગુજરાતમાં 11.7 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં વર્ષ 2004માં દર લાખની વસ્તીએ 8.6 ટકા લોકોએ આપઘાત કર્યો હતો તે વર્ષ 2015માં વધીને 11.7 ટકા થયો છે એટલે કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં આપઘાતના પ્રમાણમાં 32 ટકાનો વધારો થયો છે. મહત્વની વાત એ છે કે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં વર્ષ 2011ની સરખામણીએ વર્ષ 2014માં આપઘાતના કિસ્સામાં 95 ટકાનો વધારો થયો હતો પરંતુ વર્ષ 2015માં તેમાં ઘટાડો નોંધાયો હતો. આખા દેશમાં શહેર પ્રમાણે આપઘાતના બનાવોની સરખામણી કરવામાં આવે તો વર્ષ 2015માં દેશમાં સૌથી વધુ આપઘાત રાજકોટમાં થયા હતા. જ્યારે એ જ વર્ષે રાજ્યની સરખામણીમાં સૌથી વધુ આપઘાત છત્તીસગઢ, તમિલનાડુ અને કેરળમાં નોંધાયા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા દેશભરમાં બનતા આપઘાતના બનાવોનો દર વર્ષે સર્વે થાય છે. વર્ષના અંતે આંકડાઓ એકઠા કરવામાં આવતા હોય છે અને તેની ચોક્કસાઇ કરીને તે પછીના વર્ષે પ્રસિધ્ધ કરવામાં આવતા હોય છે એટલે વર્ષ 2016ના આંકડા આ વર્ષે પ્રસિધ્ધ થશે.
આ અંગે વાત કરતા રિસર્ચ સ્કોલર ડો.જયેશ શાહે કહ્યું હતું કે આપઘાત પર સર્વસમાવેશી રિસર્ચ અભ્યાસ હાથ ધરાયો હોય તેવુ જોવામાં આવ્યુ નથી. તેવા સમયે વડોદરાની સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચના સહયોગથી બે દિવસના સેમિનારનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાંથી આમંત્રીત કરાયેલા વિદ્વાનો અને ધર્માચાર્યો દ્વારા આ વિષય પર વિચારમંથન થશે. આ ઉપરાંત આપઘાતના વિષય પર પંદર જેટલા રિસર્ચ પેપર પણ રજૂ થશે.
સેમિનારનો પ્રારંભ તા.7 શુક્રવારે સવારે 9.30થી થશે પ્રથમ દિવસે વિદ્વાનો આપઘાત પાછળના કારણો, આપઘાતના પ્રકારો, આપઘાત માટે સર્જાતુ વાતાવરણ વગેરે વિષયો પર પ્રકાશ પાડશે.
તો બીજા દિવસે શનિવારે અલગ અલગ ધર્મના ધર્મગુરૃઓ પોતપોતાના ધર્મમાં આપઘાત અંગે શુ કહેવામાં આવ્યુ છે અને હાલમાં આપઘાત નિવારણ અંગે તેઓ શું કરી રહ્યા છે તેની
સમજ આપશે.

 
 
 

Related News