બૂલેટ ટ્રેન માટેની જાપાની એજન્સી આજથી ગુજરાતના ખેડૂતોને સાંભળશેDecember 07, 2018

 બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલી ‘જીકા’ ટીમ: જમીન સંપાદનના ઓછા વળતરની સુનવણી
અમદાવાદ તા.7: જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી જે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં હળવા દરે ધિરાણની સવલત આપી રહી છે તેની ટીમ આ પ્રોજેકટના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લેવા માટે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહી છે. આ ટીમ શુક્રવારે સુરતમાં જે ખેડૂતોને પ્રોજેકટ માટે થઇ રહેલા જમીન સંપાદન સામે વિરોધ છે તેમની સાથે બેઠક કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રોજેકટથી અસરગ્રસ્ત ખેડૂતોએ આ વર્ષે સપ્ટેમ્બરમાં જીકાને રજૂઆત કરી હતી કે તેની જે માર્ગદર્શિકા છે તેવું સરેઆમ ઉલ્લંઘન કરીને જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રના જમીન સંપાદન ધારો ર013 નું પણ પાલન નથી થઇ રહ્યું. ખેડૂતોની રજૂઆતનો પ્રતિસાદ આપતા આ ટીમ ખેડૂતોની મુલાકાત માટે આવી છે. તેવી માહિતી પ્રોજેકટના અસરગ્રસ્ત ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે આપી હતી. તેમણે જણાવ્યું કે, ખેડૂતોનું સંગઠન ગુજરાત ખેડૂત સમાજ પણ બેઠકમાં ભાગ લેશે. શુક્રવારના રોજ ટીમ કેટલીક ખેતીની જમીન પર પણ જશે અને તેના માલીકોને મળીને સ્થળ પરની વિગતો મેળવવાનો પ્રયાસ કરશે. મુલાકાતના બીજા દિવસો ખેડૂતો અને જમીન માલિકો સાથે જુદા જુદા ગામડામાં આ પ્રતિનિધિ મંડળ બેઠક કરશે.