‘દલાલ’ના વકીલથી કોંગ્રેસે છેડો કેમ ફાડી નાખ્યો?

  • ‘દલાલ’ના વકીલથી કોંગ્રેસે  છેડો કેમ ફાડી નાખ્યો?

કોંગ્રેસના શાસન વખતે થયેલાં એક-એકથી ચડિયાતાં કૌભાંડોમાં સાવ ફાસફૂસિયું ગણાય એવા અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડના વચેટિયા ક્રિશ્ર્ચિયન મિશેલને ભારત લવાયો એ સાથે બરાબરનું ઘમસાણ જામ્યું છે. ભાજપને કોંગ્રેસને અને ખાસ તો સોનિયા-રાહુલને ભાંડવા માટે બહુ મોટો મુદ્દો મળી ગયો છે તેથી ભાજપવાળા બરાબરના મચી પડ્યા છે. સામે કોંગ્રેસે પણ હાકલા પડકારા કરવા માંડ્યા છે. ભાજપ રાફેલ સોદામાં ભેરવાયેલો છે તેથી લોકોનું ધ્યાન બીજે વાળવા આ બધા ઉધામા કરે છે એવો બચાવ કોંગ્રેસ એક તરફ કરી રહી છે તો બીજી તરફ સોનિયા ગાંધીની સંડોવણીના પુરાવા હોય તો એ લોકો સામે મૂકે ને સોનિયાને જેલભેગાં કરે એવી પડકાર પણ કોંગ્રેસ ફેંક્યો છે.
કોંગ્રેસમાં અલ્જો કે જોસેફ નામના એક નેતા છે, બલ્કે હતા કેમ કે કોંગ્રેસે હવે તેમને તગેડી મૂક્યા છે. જોસેફ વાસ્તવમા તો યુથ કોંગ્રેસના નેતા હતા પણ એ બધું એકનું એક. જોસેફ વ્યવસાયે વકીલ છે ને ઈન્ડિયન યુથ કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના કર્તાહર્તા હતા. મિશેલને ભારતને સોંપાયો પછી તેના વકીલ તરીકે આ જોસેફ હાજર થયેલા. મિશેલના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા એ કેસમાં જોસેફ તેમના વકીલ હતા. કોંગ્રેસને આ વાતની ખબર પડી ને તેમણે જોસેફને લાત મારીને તગેડી મૂક્યા. કોંગ્રેસનું કહેવું છે કે, જોસેફે પક્ષના મોવડીઓને પૂછ્યા વિના જ મિશેલનો બચાવ કરેલો. જોશેફનું કહેવું છે કે, પોતે કોંગ્રેસના નેતા છે એ અલગ વાત છે ને વકીલ છે એ વાત અલગ છે. પોતે કોઈની વકીલાત કરે તેમાં પક્ષને પૂછવાનું ના હોય એવી તેમની દલીલ છે. કોંગ્રેસને આ દલીલ માફક નથી આવી ને તેણે જોસેફને તગેડી મૂક્યા.
જોસેફે જે કર્યું એમાં કશું નવું નથી. આ પહેલાં કોંગ્રેસના કેટલાય નેતા કુખ્યાત ગુનેગારોના કેસ લડી ચૂક્યા છે. કપિલ સિબલ ને ચિદમ્બરમ તો છાસવારે છાપેલાં કાટલાંના કેસ લડે છે પણ કદી કોંગ્રેસે તેની સામે વાંધો નથી લીધો કે તેમને તગેડી મૂક્યા નથી. ભાજપ સહિતના વિરોધ પક્ષોએ પણ તેની સામે વાંધો નથી લીધો કેમ કે ભાજપમાં પણ આ જ હાલત છે. અરૂણ જેટલી જેવા ટોચના નેતા આ રીતે બધાંના કેસ લડે જ છે. જેટલી તો આપણી માધુપુરા બેંકને ઉઠાડી મૂકનારા મહાકૌભાંડી કેતન પારેખનો કેસ લડેલા. ભાજપે એ વખતે એ જ દલીલ કરેલી કે, તેમના વ્યવસાય ને રાજકારણ બંને અલગ છે.
હવે કોંગ્રેસને અચાનક જ નીતિમત્તા યાદ આવી ને તેણે જોસેફને તગેડી મૂક્યા. કારણ ? કારણ મિશેલ સળગતું લાકડું છે ને કાલે એવું આળ આવી જાય કે, જોસેફ તો રાહુલ કે સોનિયાના કહેવાથી મિશેલના બચાવમાં ઉતરેલો. કોંગ્રેસ કોઈ રીતે પોતાનું નામ અગસ્ટા કૌભાંડ સાથે જોડાય એમ નથી ઈચ્છતી તેથી તેણે જોસેફને તગેડીને હાથ ખંખેરી નાખ્યા ને પાણી પહેલાં પાળ બાંધી દીધી. કોંગ્રેસ આ કૌભાંડથી ગભરાયેલી છે તેનો આ પુરાવો છે.
જો કે ભાજપ સરકાર માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. મિશેલને અંદર રાખી શકાય એવા પુરાવા જેમ બને એમ જલદી શોધવા જ પડે. એ કામ પણ સહેલું તો નથી જ કેમ કે મિશેલ પણ કાચો ખેલાડી નથી જ. એ સાડા ત્રણસો કરોડ રૂપિયા ઓહિયાં કરીને બેઠો છે એટલે તેને પણ પોતાનો દલ્લો લૂંટાઈ ન જાય તેની ચિંતા હોય જ. આ સંજોગોમાં એ પણ જલદી હાથ મૂકવા જ ના દે. સીબીઆઈ માટે તકલીફ એ પણ છે કે, મિશેલ કંઈ હાલીમવાલી નથી કે તેને ધોલધપાટ કરીને ધાર્યું નિવેદન લખાવી લેવાય કે કબૂલાત કરાવાય. તેને હાથ પણ અડાડો તો બ્રિટન હોહા કરી નાંખે ને આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો પણ ઉઠાવે જ. ભારત અમારા નાગરિકની ખોટી કનડગત કરે છે એવી હોહા કરી મૂકે ને માનવાધિકારના નામે આપણી બજાવવામાં એ કોઈ કસર ના છોડે. તેની સામે ઝીંક ઝીલવાનું આપણું ગજું નથી જ એ પણ વાસ્તવિકતા છે.
ભૂતકાળમાં પુરુલિયા શસ્ત્ર કાંડના કિમ ડેવીને અંદર કર્યો ત્યારે ડેન્માર્કે એ ખેલ કરેલો જ ને છેવટે ડેવીને છોડાવીને લઈ ગયેલા. ડેન્માર્ક તો નાનો દેશ છે છતાં તેની સામે આપણે ઝીંક નહોતા ઝીલી શક્યા તો આ તો સામે બ્રિટન છે. બ્રિટને પોતાને ત્યાં આશરે રહેલા રશિયન જાસૂસના પરિવારને રશિયાએ પતાવી દીધો તેમાં કરેલ દેકારો તાજો જ છે. અમેરિકા ને બ્રિટન એક જ છે એ જોતાં બ્રિટન કહે પછી અમેરિકાનું પણ દબાણ શરૂ થાય જ. રાજકીય ફાયદાને ધ્યાનમાં રાખીને મોદી સરકાર ઝડપથી ઘૂંટણ ના ટેકવે એવું બને પણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ટકવું અઘરું હોય છે. તેની સાથે આપણાં આર્થિક હિતો, વિદેશમાં રહેતા ભારતીયોની સલામતી સહિતના ઘણા મુદ્દા જોડાયેલા હોય છે.
બ્રિટનનાં હિતો જેની સાથે જોડાયેલાં હોય એ દેશો પણ દબાણ કરે જ. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ બધી અમેરિકા ને બ્રિટનની આંગળિયાત જ છે તેથી તેમનું પણ દબાણ શરૂ થવાનું જ. આ સંજોગોમાં ભાજપ સરકારે જે પણ કરવું હોય એ જલદી કરવું પડે. બાકી બહુ ગજવેલા આ મામલાની હવા નિકળી જશે ને ભાજપે ભોંઠા પડીને ઊભા રહેવાનો વારો આવશે.