સોમનાથ મંદિરના તમામ કળશ સુવર્ણ મંડિત બનશેDecember 07, 2018

 45 કરોડના ખર્ચે 1500 મીટરનો
વોક-વે બનશે
 ભાજપ અધ્યક્ષ અમિત શાહના હસ્તે થયું ભૂમિપૂજન
વેરાવળ તા.7
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહે આજે સોમનાથ દાદાના દર્શન-પુજન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્ર્વર મંદિર ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થનાર રૂા.45 કરોડના ખર્ચે 1500 મીટર લંબાઇના અને 7 મીટર પહોળા યાત્રિપથનું ભૂમિપુજન કરેલ હતું.
વર્ષો પહેલા સોમનાથ મંદિરને 17 વખત ખંડિત કરાયું હતું પરંતુ દરેક વખતે તેનો જીર્ણોધ્ધાર થયો છે અને પહેલા કરતા વધુ સુંદર નિર્માણ થયું છે. આ વિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ-સન્માન-સંઘર્ષનું સમગ્ર દુનિયામાં અજોડ દ્રષ્ટાંત સોમનાથ મંદિર છે. પ્રથમ જ્યોતિલિંગ સોમનાથની પુન:સ્થાપના માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે અને તેના પરિણામે આજનું ભવ્ય સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ હોવાનું અમીત શાહે જણાવેલ હતું.
સોમનાથ મહાદેવ પ્રત્યે અતુટ શ્રધ્ધા વ્યક્ત કરી અમીત શાહે જણાવેલ કે, પુરાણોમાં કહેવાયુ છે કે, સોમનાથ મંદિર સુર્વણથી મઢેલુ હતું. સૌના સહયોગથી મંદિરની પુન:સ્થાપના સાથે મંદિરના તમામ કળશ સુર્વણ મંડિત બનશે તેવી શ્રધ્ધા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે અહીં દર વર્ષે એક કરોડ જેટલા ભાવિકો દર્શનાર્થે આવે છે તેમના માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા કરાયેલ સુચારૂ વ્યવસ્થાની સરાહના કરી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવેલ હતા.
સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવેલ કે, વોક-વે પ્રોજેક્ટ નિર્માણ થયા બાદ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓની સોમનાથ મુલાકાત જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે અને સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણભાઈ લહેરીએ શાબ્દીક સ્વાગત કરતા જણાવેલ કે, આઈકોનીક સ્થળમાં ગુજરાતમાંથી માત્ર બે સ્થળની પસંદગી કરવામાં આવી છે જેમા સોમનાથ મંદિરનો સમાવેશ કરાયો છે. તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતા વિવિધ પ્રોજેક્ટોની પણ વિગતો આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતાપાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સાંસદ ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, ભીખુભાઈ દલસાણીયા, પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરાર, રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પુર્વ મંત્રી જશાભાઈ બારડ, પુર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, કે.સી.રાઠોડ, નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, જેઠાભાઇ પાનેરા, પ્રવાસન નિગમના એમ.ડી. જનુ દિવાન, ડી.ડી.ઓ ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
આ યાત્રી વોક-વે સાગર દર્શનથી શરૂ થઇ ને ત્રિવેણી સંગમ સુધી રહેશે અને યાત્રાળુઓ આ પથ ઉપર ચાલતા સમુદ્ર દર્શન, સોમનાથ મંદિરના દર્શન, રામ મંદિરના દર્શન તેમજ ત્રિવેણી સંગમની અલૌકીક અનુભુતિ થશે અને આ પથ ઉપર 200 મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને ભક્તિમય સંગીતની સુરાવલીઓ સાથે રાત્રીના આ પથ ઉપર આધુનિક લાઈટીંગની વ્યવસ્થા કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રસાદ યોજના અંતર્ગત કુલ રૂા.100 કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થનાર હોવાનું જણાવેલ હતું.