લગ્નોમાં અન્ન-પાણીના બગાડ પર સરકાર સામે સુપ્રીમ ખફા

  • લગ્નોમાં અન્ન-પાણીના બગાડ પર સરકાર સામે સુપ્રીમ ખફા

 દિલ્હીના મુખ્ય સચિવને 11મીએ ખંડપીઠ સમક્ષ હાજર રહેવા ફરમાન
નવી દિલ્હી તા.7
દિલ્હીમાં લગ્નમાં મોટા પ્રમાણમાં અન્ન અને પાણીનો બગાડ થતો હોવા વચ્ચે સુપ્રીમ કોર્ટે એમ જણાવતાં અહેવાલને ટાંક્યો હતો કે તાજેતરમાં જ દિલ્હીમાં ત્રણ છોકરી ભૂખને કારણે મૃત્યુ પામી હતી અને દિલ્હીના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દાને સરકાર કઈ રીતે હાથ ધરવા માગે છે એની જાણકારી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે માગી હતી. ન્યાયાધીશ મદન બી. લોકુરના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે સમય આવી ગયો છે કે દિલ્હીનું વહીવટીતંત્ર મોટેલ્સ અને ફાર્મહાઉસના માલિકોના વ્યાવસાયિક હિતોને બદલે જનહિત વધુ મહત્ત્વ આપે. ન્યાયાધીશ દીપક ગુપ્તા અને હેમંત ગુપ્તાનો પણ સમાવેશ કરતી ખંડપીઠે દિલ્હીના મુખ્ય સચિવને 11 ડિસેમ્બરે તેમની સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું જેથી કરીને ખંડપીઠ આ મામલે યોગ્ય આદેશ આપી શકે.
બ્લૂ સેફાયર મોટેલ સંબંધિત કેસની સુનાવણી કરી રહેલી ખંડપીઠને જાણકારી આપવામાં આવી હતી કે દિલ્હીમાં અંદાજે 300 જેટલા લગ્નના હોલ છે, પરંતુ લગ્નની મોસમમાં એક જ દિવસમાં 30000થી 50000 જેટલા લગ્ન થાય છે. મોટેલ વતી ઉપસ્થિત રહેલા વકીલે કહ્યું હતું કે અમારી પાસે એક લાખ લિટર પાણીનો સંગ્રહ કરી શકે તેવી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી છે અને અગ્નિશમન દળે અમને તેની ક્ષમતા વધારીને 1.27 લાક લીટર કરવા જણાવ્યું છે. મોટેલના માલિકોના વ્યાવસાયિક હિતો જનહિતથી ઊપર નથી એમ જણાવતાં કોર્ટે કહ્યું હતું કે જો દરેક મોટેલ આટલા બધા પાણીનો સંગ્રહ કરશે અને દિલ્હીવાસીઓને પાણી નહીં મળે તો શું કરવું? 50000 લગ્નમાં અન્ન અને પાણીનો કેટલો બગાડ થાય છે એ અમને જણાવો, એમ ખંડપીઠે કહ્યું હતું. (પીટીઆઇ)ઉ
------------