ઇન્દ્રવદને અન્ય 5 રાજ્યોના પેપર ફોડ્યાનો ઘટસ્ફોટDecember 07, 2018

 મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં પણ પેપર ફોડયા ક્ષ આંતરરાજ્ય પેપરફોડ ગેંગ સક્રિય હોવાની શંકા રાજકોટ તા.7
સમગ્ર ગુજરાતમાં ભારે હાહાકાર મચાવી દેનાર લોકરક્ષક દળના પેપર લીકકાંડમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. પોલીસ તપાસ દરમ્યાન પેપરલીક કાંડના રીંગલીડર મનાતા વડોદરાના ઇન્દ્રવદને અન્ય પાંચ રાજ્યોના પેપર પણ ફોડયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી રહી છે કે, દિલ્હી સ્થિત ગેંગ દ્વારા અનેક રાજ્યોની ભરતી પ્રક્રિયાનાં પેપર ફોડવામાં આવ્યા છે અને ઇન્દ્રવદન આ ટોળકી સાથે લાંબા સમયથી સંકળાયેલો છે. ઇન્દ્રવદન અને દિલ્હીની ટોળકીએ ગુજરાતમાં લોકરક્ષક દળની ભરતીનું પેપર ફોડયા પહેલા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી,
રાજસ્થાન અને હરીયાણામાં પણ વિવિધ ભરતીના પેપર ફોડી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનું બહાર આવી રહ્યું છે. ગુજરાત એટીએસની ટીમે દિલ્હી દોડી જઇ આ ગેંગના મનાતા ચાર શખ્સોને અટકાયતમાં લઇ પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આધારભૂત પોલીસ સૂત્રોનું કહેવું છે કે, હાલ ઇન્દ્રવદન સાથે સંકળાયેલ પેપરફોડ ટોળકીના સાગરીતોને પકડવા કવાયત ચાલી રહી છે અને ઇન્દ્રવદનની કોલ ડીટેઇલના આધારે તેના અનેક કનેકશનો ખુલે તેવી શકયતા રાખવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે, આ આંતરરાજ્ય પેપરફોડ ગેંગના વિવિધ રાજ્યોના કોચીંગ કલાસીસ સંચાલકો, ભરતી બોર્ડના અધિકારીઓ, પેપર જે સ્થળો પર પ્રીન્ટ થાય છે તેના સંચાલકો તેમજ કેટલાક રાજકીય નેતાઓ સાથે પણ ગાઢ સંબંધો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળના પેપર ફોડવાના ષડયંત્રમાં પોલીસે મુખ્ય સૂત્રધાર મનાતા યશપાલસિંહ સોલંકી તેમજ ભાજપના ત્રણેક નેતાઓ સહિત 1પ શખ્સોની અત્યાર સુધીમાં ધરપકડ કરી છે. જ્યારે છાત્રોને દિલ્હી લઇ જનાર નિલેશ નામનો શખ્સ હજુ નાસતો ફરે છે તેની પોલીસ શોધખોળ કરી રહી છે ત્યારે નિલેશ ઝડપાયા બાદ દિલ્હીની ગેંગના વધુ કેટલાક શખ્સોના નામ બહાર આવવાની શકયતા છે. 28 ઉમેદવાર બ્લેક લિસ્ટ થશે ?
લોકરક્ષક દળનું પેપર ફોડવાના કૌભાંડમાં દિલ્હીમાં પેપર જોવા ગયેલા ર8 પરીક્ષાર્થીઓને ભરતીની પરીક્ષાઓ માટે બ્લેક લીસ્ટ ગાંધીનગરના એસ.પી.મયુર ચાવડાએ સરકારના લાગતા વળગતા વિભાગોને દરખાસ્ત કરી હોવાનું જાણવા મળે છે. પ્રિન્ટિંગ એજન્સી શંકાના દાયરામાં છતાં ફરી કામ આપી દેવાયું
ગુજરાતના 9 લાખ છાત્રોનો ફજેતો કરનાર લોકરક્ષક દળના પેપર લીકેજ કાંડમાં દક્ષિણ ભારતની પ્રિન્ટીંગ એજન્સી શંકાના દાયરામાં છે અને આ એજન્સીમાંથી જ પેપર લીક થયાનું બહાર આવી રહ્યું છે. આમ છતા રાજ્ય સરકારે નવી ભરતી માટેના પેપરનું પ્રિન્ટીંગ કામ આ જ એજન્સીને સોંપી દેતા અનેક શંકાઓ જાગી છે. રાજ્ય સરકાર આ એજન્સીનું નામ પણ શંકાસ્પદ રીતે છુપાવી રહી છે.
ઇન્દ્રવદનની કોલ ડીટેઇલ અનેક ‘રાઝ’ ખોલશે ?
પોલીસે પકડેલા આંતર રાજ્ય પેપરફોડ ગેંગના સભ્ય એવા વડોદરાના ઇન્દ્રવદનની કોલ ડીટેઇલ અનેક રાઝ ખોલે તેવી પોલીસને આશા છે. કોલ ડીટેઇલના આધારે ઇન્દ્રવદનના પેપર ફોડવા માટે સંબંધિતો સાથેના કનેકશનો, પેપર ખરીદનાર કોચીંગ કલાસીસ તેમજ તેને પીઠબળ પુરૂ પાડતા લોકોના નામો બહાર આવે તેવી પોલીસને આશા છે.