EVM બગડ્યાંની સંખ્યાબંધ રાવ વચ્ચે રાજસ્થાનમાં ધીંગુ મતદાન

  • EVM બગડ્યાંની સંખ્યાબંધ રાવ વચ્ચે રાજસ્થાનમાં ધીંગુ મતદાન
  • EVM બગડ્યાંની સંખ્યાબંધ રાવ વચ્ચે રાજસ્થાનમાં ધીંગુ મતદાન
  • EVM બગડ્યાંની સંખ્યાબંધ રાવ વચ્ચે રાજસ્થાનમાં ધીંગુ મતદાન
  • EVM બગડ્યાંની સંખ્યાબંધ રાવ વચ્ચે રાજસ્થાનમાં ધીંગુ મતદાન

 ઉત્પાતિ ચૂંટણીમાં ઉધામાતી મતદાન:
199 બેઠક પર 2274 ઉમેદવારનો જંગ
 ચૂંટણી ઉપર કરોડોની રોકડ, દાગીના, દારૂ, ડ્રગ્સ અને હથિયારોએ તંત્રને હંફાવ્યું
જયપુર તા,7
રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. રાજસ્થાનના 4.74 કરોડ નોંધાયેલ મતદારો 2,274 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ કરશે. ચૂંટણી પ્રક્રિયામાં સુરક્ષા માટે 1.44 લાખ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યની વિધાનસભામાં આમ તો કુલ 200 બેઠક છે, પરંતુ અલવર જિલ્લાની રામગઢ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું અવસાન થઈ જતાં આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યની મતગણતરી 11 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આનંદ કુમારે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં 2 લાખ કરતાં વધુ ઈવીએમ અને વીવીપેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. રાજસ્થાનમાં આ પ્રથમ વખત વીવીપેટ મશીનનો ચૂંટણીમાં ઉપયોગ થઈ રહ્યો છે. ભાજપ તમામ 199 બેઠક પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસે 194 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. બાકીની 5 બેઠકો કોંગ્રેસે ગઠબંધન કરનારા પક્ષોને આપી છે.
બહુજન સમાજ પાર્ટીના 190 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સીપીઆઈ (એમ)ના 28 અને સીપીઆઈના 16 ઉમેદવાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઝાલાવાડના મતદાન કેન્દ્ર નંબર 31એ પર જઈને મતદાન કર્યું. તેમજ સાંગાનેર, બસ્સી, કિશનપોલ, માલવીય નગર, ઝોટવાડા અને વિદ્યાધર નગરમાં જયપુરના સિવિલ લાઈન્સના બુથ નંબર 249 અને 142 પર ઈવીએમ ખરાબ થઇ જતા મતદાન થોડો સમય ખોડંગાયું હતું.
રાજ્ય ચૂંટણી પંચને અત્યાર સુધીમાં આચારસંહિતાના ઉલ્લંઘનની 3,784 ફરિયાદો મળી છે, જેમાંથી 3,098 ફરિયાદો સાચી ઠરી છે. રાજ્યમાં 13,182 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે.
રાજ્યના ડીજીપી ઓ.પી. ગલહોતેએ જણાવ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રૂ.15 કરોડની રોકડ રકમ પકડવામાં આવી છે. આ ઉપરાંત, રૂ.25 કરોડનો દારૂ, રૂ.7.48 કરોડની નશીલી દવાઓ, રૂ.6.88 કરોડનું સોનું અને ચાંદી અને રૂ.11.89 કરોડના વાહનો આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજ્યમાંથી 4,000 જેટલા ગેરકાયદે હથિયારો પણ પકડાયા હતા. આ મહાનુભાવોનું ભાવિ ઈવીએમમાં સીલ
(1) મુખ્યમંત્રી વસુંધરા રાજે
(2) માનવેન્દ્ર જસવંત સિંઘ
(3) સચીન પાયલોટ
(4) પરિવહન મંત્રી યુનુસ ખાન છેલ્લી પાંચ વિધાનસભાનું સરવૈયું
1993 ભાજપ(95), કોંગ્રેસ(76) ભૈરોંસિંહ શેખાવત(CM- ભાજપ)
1998 કોંગ્રેસ (153), ભાજપ (33) અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2003 ભાજપ (120), કોંગ્રેસ (56) વસુંધરા રાજે (CM- ભાજપ)
2008 કોંગ્રેસ (96), ભાજપ (78) અશોક ગેહલોત (CM- કોંગ્રેસ)
2013 ભાજપ (163), કોંગ્રેસ (21) વસુંધરા રાજે (CM- ભાજપ) રાજસ્થાનમાં પરિવર્તન પેટર્ન
રાજસ્થાનમાં એક અલગ ચૂંટણી પેટર્ન રહી છે. અહીં છેલ્લા કેટલાય સમયથી દર પાંચ વર્ષે સત્તામાં પાર્ટી બદલાતી રહી છે. એટલે કે એક વખત કોંગ્રેસ સત્તામાં હોય તો તેના પછીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતી આવી છે. અગાઉ કોંગ્રેસના અશોક ગેહલોતની સરકારને હરાવીને 2013માં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. કોંગ્રેસનું પલડું ભારે: અત્યારે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કુલ 163 બેઠક સાથે વસુંધરા રાજે મુખ્યમંત્રી પદે બિરાજમાન છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ રાજસ્થાનમાં લોકસભા બેઠક પ્રમાણે 2.5 લાખ રાજપુત મતદારો, 3.5 લાખ જાટ મતદાર અને 2.5 લાખ મુસ્લિમ મતદાર છે. મુસ્લિમો કોંગ્રેસની પરંપરાગત મતબેન્ક છે અને હવે રાજપુતો પણ કોંગ્રેસની પડખે આવી જતાં રાજસ્થાનમાં કોંગ્રેસનું પાસું મજબૂત થઈ ગયું છે. વળી, રાજપૂતો છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે.