પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સંભવત: સોમવારે જ જેલમુક્તDecember 07, 2018

 હત્યાના પ્રયાસના અમરેલી કેસમાં પણ જામીન મંજૂર: અલ્પેશના પરિવાર સહિત પાટીદારોમાં ખુશીની લહેર
સુરત તા.7
રાજદ્રોહના ગુનામાં જામીન મંજૂર થયા બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાને અમરોલીના એક કેસમાં અદાલતે મોટી રાહત આપી છે. આ કેસમાં કોર્ટે તેમના જામીન મંજૂર રાખ્યા છે.
પરંતુ હાલ સુરતના લાજપોર જેલમાં બંધ અલ્પેશ સોમવારે જેલમાંથી મુક્ત થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અલ્પેશ કથીરિયાના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે, તેમની રાજદ્રોહના ગુનામાં પોલીસે 3 વર્ષ સુધી ધરપકડ કરી ન હતી. તેમજ એકાદ વર્ષ પહેલા થયેલી આ ફરિયાદમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી ન હતી. આ બનાવમાં અલ્પેશ કથીરિયાની બનાવ સ્થળ પર ગેરહાજરી હતી. વકીલ યશવંતવાળાએ સરકાર પર આરોપ મૂકતા કહ્યું હતું કે, રાજ્ય સરકારના ઈશારે પોલીસ કામ કરી રહી છે, તેમજ લાંબો સમય અલ્પેશ જેલમાં રહે તે માટે કાવતરુ ઘડી રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જામીન અરજીની સુનાવણીમાં અદાલતે બનાવ સ્થળ સમયના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં અલ્પેશ સ્થળ પર દેખાયો ન હતો. હવે બન્ને કેસમાં અલ્પેશને જામીન મળી ગયા છે. જેથી તેની જેલમુક્તિની કામગીરી કરવામાં આવશે. આવતીકાલે જામીન બોન્ડ જમા કરાવવામાં આવશે. અલ્પેશ ભાગેડુ નથી. સતત પોલીસ સમક્ષ હાજર રહ્યો છે. તેમજ કલેકટર સહિતના અધિકારીઓને મળતો રહે છે.
અલ્પેશ કથીરિયાને અમરોલીના કેસમાં પણ જામીન મળતા તેના પરિવારજનો અને સમર્થકોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. તેમજ પાટીદાર આગેવાનોએ તેની જેલમુક્તિની ઉજવણીની પણ તૈયારીઓ શરૂ કરી છે. અમરોલીમાં હત્યાનો પ્રયાસ અને મારામારીનો ગુનો અલ્પેશ કથીરિયા સામે નોંધાયો હતો.
--------------