RTIમાં BPL આસામી પાસેથી પૈસા લેવાશે

  • RTIમાં BPL આસામી પાસેથી પૈસા લેવાશે

 માહિતી અધિકારમાં નકલ માગનાર ગરીબોને હવે મફતમાં નકલ નહીં મળે
રાજકોટ તા,7
ગુજરાત સરકારે વધુ એક વખત ગરીબો ઉપર કોરડો વિઝ્યો છે. માહિતી અધિકાર હેઠળ બીપીએલ કાર્ડ ધારકોને અપાયેલ રાહત આપવાનુ ગુજરાત સરકારે બંધ કરી દિધુ છે. આથી હવે બીપીએલ કાર્ડ ધારકો આરટીઆઈમાં માહિતી માગશે તો હવે તેઓને પણ પૈસા ચુકવવા પડશે.
ગુજરાતમાં માહિતી અધિકારના કાયદા આરટીઆઈ માટે ઉપયોગમાં લેવાતા બીપીએલ રેશનકાર્ડને રાજ્ય સરકારે રદ કર્યું છે અને આ કાર્ડની નકલ બિડવાથી ફી માફી થશે તેવી સુવિધા બંધ કરી છે. હવે બીપીએલના વ્યક્તિને માહિતી અધિકાર હેઠળ ચૂકવવાની થતી ફી ભરવી પડશે. જો તેણે વિનામૂલ્યે ફોર્મ ભરવું હોય તો રેશનકાર્ડ નહીં પણ બીપીએલ કાર્ડ દર્શાવવાનું રહેશે.
માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ 5(7) અને ગુજરાત માહિતી અધિકાર નિયમો 2010ના નિયમ 3 (1)ની જોગવાઈ પ્રમાણે ગરીબી રેખા હેઠળના પરિવારોની વ્યક્તિએ ગરીબી રેખા હેઠળના કાર્ડની પ્રમાણિક નકલ અથવા ખરી નકલ સબંધિત સત્તાધિકારીને આપવામાં આવતા તેની આરટીઆઇની અરજી વિનામૂલ્યે થતી હતી.
અરજદારો દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ પ્રમાણે માહિતી મેળવવા કરાતી અરજીઓ સાથે બીપીએલ રેશનકાર્ડની નકલ જોડવામાં આવે છે અને તેના આધારે અરજી ફી અને નકલ ફી માંથી મુક્તિ મેળવવામાં આવે છે. અધિનિયમમાં માત્ર ગરીબી રેખા હેઠળનું કાર્ડ ધરાવનારને જ ફી માફી આપવામાં આવતી હતી. જો કે આ બાબતે અધિકારીઓમાં દ્વિધા થતાં સરકારે તેના નિયમમાં ફેરફાર કર્યો છે.
રાજ્યના માહિતી અધિકાર કાયદા પ્રમાણે અરજદાર દ્વારા માહિતી મેળવવા માટે અરજી સાથે બીપીએલ રેશનકાર્ડ રજૂ કરે ત્યારે તેમના માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. સરકાર કહે છે કે બીપીએલ રેશનકાર્ડ માત્ર અનાજ મેળવવાના હેતુસર હોય છે. તેનો ઉપયોગ માહિતી મેળવવાના કાયદામાં કરવો નહીં.
અરજી સાથે ગરીબી રેખા હેઠળના કાર્ડને જ માન્ય ગણવામાં આવેલું હોઇ બીપીએલ રેશનકાર્ડની નકલ જોડી હોય તો તેવા અરજદારોને કોઇપણ પ્રકારની ફી મુક્તિનો લાભ આપવામાં નહીં આવે. આ ફી મુક્તિનો લાભ મેળવવા ઇચ્છનાર વ્યક્તિએ ગરીબી રેખા હેઠળનું કાર્ડ અથવા ખરી નકલ રજૂ કરવાની રહેશે.