રાજ્યની મહાપાલિકા-પાલિકાને ગટર સફાઈ મુદ્દે નોટિસDecember 07, 2018

 હાથથી સાફ સફાઈ અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માગતી હાઈકોર્ટ: 17 ડિસેમ્બરે વધુ સુનાવણી
અમદાવાદ તા,7
ગુજરાત રાજ્યમાં હાથેથી (મેન્યુઅલી) ગટરની સફાઈ કરવાની પ્રથા હજુ પણ અસ્તિત્વમાં હોવાના મુદ્દે રાજ્ય સરકારને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે. હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે કાયદો અને નિયમો હોવા છતાંય આ પ્રકારે મેનહોલમાં ઉતરીને હાથેથી ગટરની સફાઈ કરવાની પ્રથા ચાલુ હોવા અંગે સરકાર પાસેથી માહિતી મંગાવી છે. મહાનગર પાલિકા અને નગરપાલિકામાં આ પ્રકારનું કામ કરતાં કર્મચારીઓ વિશે પણ રિપોર્ટ આપવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે. હાઈકોર્ટે આદેશ કરતાં નોંધ્યું છે કે, ‘ગટરની સફાઈ માટેના કામનું આઉટસોર્સિંગ અથવા તો કોન્ટ્રાકટ પદ્ધતિ કરાવવામાં આવે છે કે કેમ તેની પણ માહિતી ઓથોરિટી દ્વારા આપવામાં આવે.’ આ કેસની વધુ સુનાવણી 17મી ડિસેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે.
આ કેસમાં અરજદાર સંસ્થા માનવ ગરિમા ટ્રસ્ટ દ્વારા એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં સંસ્થા તરફથી એડવોકેટ હીરક ગાંગુલી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, ‘મેનહોલમાં ઉતરીને હાથેથી ગટરનું સફાઈકામ કરવાની પદ્ધતિ અથવા તો પ્રથાને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અમાનવીય અને આરોગ્ય ઠેરાવવામાં આવી છે અને તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ માટે સુપ્રીમ કોર્ટે કેટલાક ચોક્કસ દિશાનિર્દેશો પણ આપ્યાં છે. તેમ છતાંય રાજય્ સરકાર આ દિશાનિર્દેશોને નજરઅંદાજ કરીને અને પ્રતિબંધ હોવા છતાંય આ પદ્ધતિથી ગટરની સફાઈનું કામ ચાલુ છે.’ વધુમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ‘મેન હોલમાં કામ કરતાં સમયે કર્મચારીઓને યોગ્ય અને જરૂરી સાધન સામગ્રી પણ આપવામાં આવતાં નથી. ગટરમાં ઉતારીને કામ કરતાં આવા કર્મચારીઓ મૃત્યુ પામે ત્યારે તેમના કુટુંબીજનોને વળતર પણ ચુકવવામાં આવતું નથી.’
સુપ્રીમ કોર્ટે આ સંદભેૃ માર્ચ 2014માં ગટરમાં ઉતારીને સફાઈ કરનારા કર્મચારીઓના પુન:સ્થાન અંગેના નિર્દેશો આપ્યા હતા. તે ઉપરાંત યોગ્ય સાધનોના અભાવ સાથે ગટરમાં કામ કરતાં કર્મચારીઓના મૃત્યુ થાય તો એવા સંજોગોમાં તેમના કુટુંબીજનોને રૂા.10 લાખ વળતર તરીકે ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો. આ સફાઈ કર્મચારીએને યોગ્ય પુનર્વાસની સાથે એક સન્માનજનક આજીવિકા આપવાનું પણ સુપ્રીમ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 1993થી ગટર સફાઈનું કામ કરતાં મૃત્યુ પામેલાં લોકોની ઓળખ કરીને તેમના કુટુંબને વળતર ચુકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટ સમક્ષ સુપ્રીમના નિર્દેશો સહિતની પરિસ્થિતિ વિશે જણાવતાં અરજદારના એડવોકેટની દલીલ હતી કે, ‘અરજદાર સંસ્થા દ્વારા મે-2014માં સામાજિક ન્યાય અને અધિકારતિા વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મેનહોલ અને સેપ્ટિક ટેંગમાં સફાઈનું કામ કરતાં એવા કર્મચારીઓની યાદી આપવામાં આવી હતી, જેઓ મૃત્યુ પામ્યા હતા અને તેમને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. જો કે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ વર્તી નહીં રહી. તેથી સુપ્રીમ કોર્ટના આદેશ અને નિર્દેશનો અમલ કરવાનો આદેશ રાજ્ય સરકારને કરવો જોઈએ.’