ચકચારી હત્યા કેસમાં આરોપીઓના જામીન મંજુર થતા મૃતકની પત્નીએ ઝેર પીધુDecember 07, 2018

 નવ માસ પહેલા સરપંચ સહિતના શખ્સોએ યુવાનની હત્યા કરી હતી
રાજકોટ તા.7
કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા ગામે નવેક માસ પૂર્વે સરપંચ સહિતના શખ્સોએ યુવાન ઉપર હુમલો કરી હત્યા કરી હતી. હત્યાના ગુનામાં જેલહવાલે રહેલા શખ્સોના જામીન મંજુર થતા મૃતક યુવાનની પત્નીએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવેક માસ પૂર્વે માણેકવાડા ગામે રહેતા નાનજીભાઇ મંગાભાઇ સોંદરવાની નજીવા પ્રશ્ર્ને જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા નિર્મળસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે ભીખુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનુભા બહાદુરસિંહ જાડેજા, જગદીશ ઉર્ફે જગો ભરવાડ, અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા અને જીતેન્દ્રસિંહ ચંદુભા જાડેજા નામના શખ્સોએ હુમલો કરી હત્યા કરી હતી. હત્યાના ગુનામાં જેલહવાલે રહેલા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે ટીનુભા બહાદુરસિંહ જાડેજા અને જીતેન્દ્રસિંહ ચંદુભા જાડેજાનો જામીન ઉપર છુટકારો થતા મૃતક નાનજીભાઇ સોંદરવાની પત્ની હંસાબેન સોંદરવા (ઉ.વ.30) ને આ વાતની જાણ થતા આઘાત લાગતા તેણીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ આદરી છે.